લંડનઃ ગત પાંચ દાયકાથી લંડન પ્રવાસીઓ માટે પસંદગીનું પ્રથમ શહેર બનેલું છે. જેના પરિણામ અહીંની વધેલી જનસંખ્યાના રૂપમાં સામે આવ્યા છે. ઝડપથી વધતા જન્મદર અને પ્રવાસીઓને કારણે લંડનની જનસંખ્યામાં આશ્ચર્યજનક વૃદ્ધિ નોંધાઇ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) ના જણાવ્યા મુજબ, ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન જનસંખ્યામાં પાંચ લાખનો સરેરાશ નોંધાયો છે. એટલે કે, અહીં દર વર્ષે સરેરાશ એક લાખ લોકોની વસતી વધી રહી છે.
આવનારાં કેટલાંક વર્ષોમાં ગ્રેટર લંડનની વસતી એક કરોડને વટાવી જાય તેવી શક્યતા છે. ખાસ વાત છે કે લંડનને મેગાસિટી બનાવવામાં સૌથી ફાળો પ્રવાસીઓનો છે. તેની સૌથી મોટી અસર અહીંના રિયલ એસ્ટેટમાં જોવા મળી રહી છે. દરમિયાન લંડનમાં મોંઘાં થતાં મકાનો અને અંધાધૂંધ વધતાં ભાડાં સૌથી મોટી સમસ્યા તરીકે સામે આવ્યા છે.
ઓએનએસ મુજબ ગત કેટલાંક વર્ષોમાં દરિયાપારથી આવનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. તેનો આંકડો વાર્ષિક આબાદીના પાંચ ટકાથી પણ વધુ છે. ગત પાંચ વર્ષોમાં લંડનમાં ૫૦,૦૦૦ બાળકો જન્મ્યાં છે. બીજી તરફ, ૨૦૧૫માં જન્મેલાં કુલ બાળકોમાંથી ૫૮ ટકા એવાં છે જેમની માતા વિદેશી છે અથવા જેમનો જન્મ બ્રિટન બહાર થયો છે. લંડન ટૂંક સમયમાં સૌથી વધુ વસ્તી ધરાવતાં ૧૦ શહેરોમાં સામેલ થઇ જશે. ૨૦૧૧માં લંડનની જનસંખ્યા ૮૨ લાખ હતી જે આંકડો ૨૦૧૫ના મધ્ય સુધીમાં ૮૭ લાખ થઇ ગયો હતો.