લંડનઃ ભારતીય હાઈ કમિશનમાં ચાન્સેરીના વર્તમાન વડા તથા પ્રેસ અને ઈન્ફર્મેશન મિનિસ્ટર પ્રશાંત પિસેને ટ્યુનિશિયા ખાતે મિશનના વડા તરીકે બઢતી અપાઈ છે અને તેઓ ૨૩ ડિસેમ્બરે દિલ્હી જવાના રવાના થશે. મહારાષ્ટ્રના નાગપુરમાં પરિવાર સાથે થોડો સમય રજાઓ ગાળી નવા હોદ્દાનો કાર્યભાર સંભાળવા જશે. ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન દ્વારા પિસેને વિદાય અપાઈ હતી.
પ્રશાંત પિસે પત્ની રાધિકા અને બે સંતાનો સાથે ૨૦૧૩માં મોરેશિયસમાં ડેપ્યુટી હાઈ કમિશનરના હોદ્દા પરથી ૨૦૧૩માં લંડન આવ્યા હતા. તેમણે લીબિયા, ઈજિપ્ત અને જાપાનમાં પણ ફરજ બજાવી છે. પ્રશાંતે ચેરિટીઝ માટે સંખ્યાબંધ મેરેથોન્સમાં ભાગ લીધો છે. આલ્પ્સમાં ૧૦૫ માઈલની રેસમાં ૧૫,૦૦૦ ઉમેદવારમાંથી ૨,૫૦૦ સ્પર્ધકોમાં તેમના સહિત બે ભારતીયની પસંદગી કરાઈ હતી અને તેઓ સ્પર્ધામાં સફળ રહ્યા હતા.
પોતાના નવા પોસ્ટિંગ વિશે પિસેએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘ટ્યુનિશિયા ભારતમાં ફોસ્ફેટનું સૌથી મોટું નિકાસકાર છે. મારી ભૂમિકા બન્ને દેશ વચ્ચે ગાઢ સંબંધો વિકસાવવાની રહેશે, જેના માટે હું ઘણો ઉત્સુક છું.’ તેમના પત્ની રાધિકાએ જણાવ્યું હતું કે,‘મને એક દેશમાંથી બીજા દેશમાં જવાનો કોઈ વાંધો હોતો નથી, પરંતુ લંડન મારી પ્રથમ પસંદ રહ્યું છે. મેં અહીં ઘણા મિત્રો બનાવ્યાં છે, જેમની ખોટ મને સાલશે.’