લંડનઃ ઈંગ્લેન્ડની પ્રાઈમરી શાળાઓમાં આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન કરતા પાંચથી ૧૧ વર્ષની વયના ૪૦ બાળકને શાળામાંથી સસ્પેન્ડ કરાતા હોવાનું એક આઘાતજનક રિપોર્ટ જણાવે છે. શાળાની ટર્મ દરમિયાન સ્મોકિંગ, શરાબપાન અને ડ્રગ્સની હેરાફેરીનો સપ્તાહમાં એક કેસ પકડાય છે. આ ઉપરાંત, ૨૦૧૨-૧૩માં સેકન્ડરી સ્કૂલના ૬,૫૯૦ વિદ્યાર્થી સસ્પેન્ડ કરાયા હતા.
ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન દ્વારા પાર્લામેન્ટમાં અપાયેલા આંકડામાં જણાવાયું હતું કે ધૂમ્રપાન, આલ્કોહોલ સેવન અને ડ્રગ્સ હેરાફેરી સહિતના ગુનાસર સપ્તાહમાં ૧૧ વર્ષથી ઓછી વયના એક વિદ્યાર્થીને હંગામી એક્સક્લૂઝન ઓર્ડર અપાય છે. શાળાની ટર્મ સરેરાશ ૩૯ સપ્તાહની હોય છે, જેનો અર્થ એ થાય કે દર સપ્તાહે એક વિદ્યાર્થી સસ્પેન્ડ થાય છે. સેકન્ડરી શાળાઓમાં શરાબ અને ડ્રગ્સ સંબંધિત ૬,૫૯૦ સસ્પેન્શન કરાયા હતા. જોકે, ૨૦૦૯-૧૦માં સેકન્ડરી શાળા માટે સસ્પેન્શન આંકડો ૮,૪૭૦ હતો. આ સિવાય ૩૬૦ વિદ્યાર્થીને કાયમી રીતે શાળામાંથી કાઢી મૂકાયા હતા.
આ આંકડા મેળવનાર ટોરી સાંસદ એન્ડ્રયુ ગ્રિફિથે જણાવ્યું હતું કે પ્રાઈમરી શાળાના બાળકો આવા ગુના માટે સસ્પેન્ડ કરાયા તે આઘાતજનક છે. આ બાળકોના પેરન્ટ્સ સાથે શું કરાય છે, તેમની સામે કાર્યવાહી થઈ છે તે પણ આપણે પૂછવું જોઈએ. દેખીતી રીતે જ બાળકો કશેથી તો ડ્રગ્સ અને આલ્કોહોલ મેળવતા હશે.