લંડનઃ જેહાદી જ્હોન દ્વારા બ્રિટિશ નાગરિક એલન હેનિંગની જાહેર હત્યાની પ્રશંસા કરનારી શિક્ષિકા નરગસ બીબીને ક્લાસરુમમાં જવા પર આજીવન પ્રતિબંધ ફરમાવાયો છે. ઓલ્ધામની નોસ્લી જુનિયર પ્રાઈમરી સ્કૂલ શિક્ષિકાએ હેનિંગના શિરચ્છેદ પછી ૪૦ અપમાનજનક અને દ્વેષપૂર્ણ સંદેશા સોશિયલ નેટવર્ક પર ફરતા કર્યા હતા અને તમામ નાસ્તિકોને ખતમ કરી નાખવા Isilને વિનંતી કરી હતી.
નરગસ બીબીએ હેનિંગની પત્નીને પણ ખરાબ સંદેશા મોકલ્યાં હતાં. તેણે મુસ્લિમ સ્ત્રીઓને ઘરમાં રહેવાની હાકલ કરવા સાથે યુકે અને યુએસનો વિનાશ કરવા અલ્લાહને વિનંતી કરી હતી. શિક્ષિકાએ તેણે જ ટીપ્પણી કર્યાનું અને તે અસ્વીકાર્ય વ્યાવસાયિક વર્તન હોવાનું સ્વીકાર્યું હતું. તેણે કોવેન્ટ્રીમાં નેશનલ કોલેજ ફોર ટીચીંગ એન્ડ લીડરશિપની શિસ્ત સુનાવણીમાં હાજરી આપી ન હતી. શાળામાં સ્ટાફ સાથે ગેરવર્તન બદલ તેને ડિસેમ્બર ૨૦૧૦માં બરતરફ કરાઈ હતી.