લંડનઃ પ્રિન્સ એન્ડ્ર્યુને સગીર બાળા સાથે સેક્સના દાવાના મુદ્દે યુએસમાં કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ મળી છે. વર્જિનિયા રોબર્ટ્સ દ્વારા સેક્સ અપરાધી મિલિયોનેર અને પ્રિન્સના ખાસ મિત્ર જેફ્રી એપ્સટિન વિરુદ્ધ કરાયેલા કાનૂની દાવાના રેકોર્ડ્સમાંથી આ ઉલ્લેખ કાઢી નાખવા ફ્લોરિડાના જજ કેનેથ મારાએ ચુકાદો આપ્યો છે. બકિંગહામ પેલેસે આ ચુકાદા વિશે કોઈ પ્રતિક્રિયા આપવા ઈનકાર કર્યો હતો. ફ્લોરિડાની પામ બીચ કાઉન્ટી કોર્ટમાં દાખલ પેપર્સમાં દાવો કરાયો હતો કે મિસ રોબર્ટ્સ ૧૭ વર્ષની હતી ત્યારે પ્રિન્સે તેનું યૌનશોષણ કર્યું હતું. વર્જિનિયાએ દાવો કર્યો હતો કે તે એપ્સટિનની સેક્સ ગુલામ હતી અને ૨૦૦૧માં તેને પ્રિન્સ સાથે સેક્સ કરવાની ત્રણ વખત ફરજ પાડવામાં આવી હતી.
ફ્લોરિડા કોર્ટના જજે મિસ રોબર્ટ્સના આક્ષેપોની સત્યતામાં ઉતરવાનો ઈનકાર કરી યુકાદામાં જણાવ્યું હતું કે હાલ એપ્સટિન કેસમાં ‘સનસનાટીપૂર્ણ’ અને ‘અનાવશ્યક’ ક્લેઈમ્સ સાંકળવા ન જોઈએ. પ્રિન્સ એન્ડ્ર્યુ સાથે સેક્સની ફરજ પડાઈ હોવાના આક્ષેપો દૂર કરવામાં આવ્યાં છે. ૧૦ પાનાના ચુકાદામાં ૫૫ વર્ષીય પ્રિન્સ એન્ડ્ર્યુનો નામોલ્લેખ કરાયો નથી, પરંતુ શક્તિશાળી લોકોનો ઉલ્લેખ થયો છે.
જાન્યુઆરીમાં આ દાવાની વિગતો બહાર આવી ત્યારે પ્રિન્સ એન્ડ્ર્યુ અને બકિંગહામ પેલેસે આક્ષેપોની વિગતોમાં ઉતરવા ઈનકાર કર્યો હતો. જોકે, પ્રિન્સે સ્વીટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ખાતે આક્ષેપોનો અછડતો ઉલ્લેખ કરી મિસ રોબર્ટ્સ સાથે તેમના સેક્સુઅલ સંપર્ક અથવા સંબંધો કદી ન હોવાના પેલેસના નિવેદનોને મજબૂત સમર્થન આપ્યું હતું.
મિસ રોબર્ટ્સે તે ૧૭ વર્ષની હતી ત્યારે પ્રિન્સ સાથે લંડન, ન્યૂ યોર્ક અને એપ્સટિનના કેરેબિયન ટાપુ પર ત્રણ વખત શારીરિક સંબંધો થયાના દાવાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેણે વોશિંગ્ટનસ્થિત બ્રિટિશ એમ્બેસી મારફત દસ્તાવેજો પણ પ્રિન્સને મોકલ્યા હતા, જે તેને પરત કરી દેવાયાં હતાં. મિસ રોબર્ટ્સની લીગલ ટીમે આવો જ પત્ર કુરિયર ફેડએક્સ મારફત મોકલ્યો હતો, જે બકિંગહામ પેલેસથી પરત કરી દેવાયો હતો.
એપ્સટિન સાથે પ્રિન્સ એન્ડ્ર્યુની મિત્રતા વિવાદાસ્પદ રહી છે. તેઓ ભવ્ય પાર્ટીઓ અને રજાઓ માણવામાં સાથે રહેતા હતા. મીડિયા ટાયકૂન રોબર્ટ મેક્સવેલની પુત્રી ઘીસ્લેન મેક્સવેલે બિલિયોનર એપ્સટિન સાથે પ્રિન્સનો પરિચય કરાવ્યો હતો. એપ્સટિનને ૧૪ વર્ષની સગીર છોકરીને દેહવ્યવસાયમાં ધકેલવાના ગુનામાં જૂન ૨૦૦૮માં ૧૮ મહિનાની સજા થઈ હતી. એપ્સટિને પ્રિન્સની પૂર્વ પત્ની સારાહ ફર્ગ્યુસનને દેવું ઉતારવા £૧૫,૦૦૦ ની મદદ કરી હોવાનું પણ કહેવાય છે.
કોર્ટ દસ્તાવેજોમાં જેફ્રી એપ્સિટનના શોષણનો શિકાર બનેલી ‘જેન ડો ૩’ તરીકે ઓળખાયેલી વર્જિનિયા રોબર્ટ્સ અને અન્ય મહિલાએ ફેડરલ નોન-પ્રોસિક્યુશન સમજૂતીને પુનઃ ઉખેળવા સંબંધે યુએસ સરકાર સામે કાનૂની દાવામાં સંકળાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જજે આ બે મહિલાના ક્લેઈમ્સને કેસને પુનઃ ખોલવા સાથે કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું.