દાદા પ્રિન્સ ચાર્લ્સની વ્યથાકથાઃ મારા પૌત્ર જ્યોર્જને મળવા દેતા નથી

Tuesday 10th March 2015 06:43 EDT
 
 

લંડનઃ પૌત્ર જ્યોર્જને મળવા માટે ઉત્સુક પ્રિન્સ ચાર્લ્સ પુત્રવધુ કેટના માતાપિતા મિડલટન્સની દખલગીરીથી વ્યથિત છે. પ્રિન્સ ચાર્લ્સ કહે છે કે મને મારા પૌત્રને મળવા દેવાતો નથી. નાનકડો પ્રિન્સ જ્યોર્જ તેના નાના માઈકલ અને નાની કેરોલ મિડલટન પાસે વધુપડતો સમય પસાર કરતો હોવાની તેમને ચિંતા છે. પ્રિન્સ ઓફ વેલ્સની નિકટનું એક સૂત્ર તો ત્યાં સુધી કહે છે કે કેરોલે અંકુશ મેળવી લીધો છે અને તે જ ક્વીન હોય તેવું વર્તન કરે છે.

પ્રિન્સ જ્યોર્જના જન્મ પછી પ્રિન્સ ઓફ વેલ્સે સૌપ્રથમ વખત દાદા બનવાની ઘટનાને કોઈના પણ જીવનમાં આવતા અવર્ણનીય અનુભવ તરીકે વર્ણવી હતી. જોકે, સ્નેહના જાહેર પ્રદર્શનના બે વર્ષ પછી નાનાકડા પ્રિન્સના જીવનમાં પોતાની ભૂમિકા અંગે તેઓ મૂંઝવણમાં છે. શાહી ગાદીના વારસદારને તેમના પુત્ર પ્રિન્સ વિલિયમના જીવનમાં મિડલટન પરિવારના તથાકથિત મહત્ત્વથી હતાશા આવી છે. પ્રિન્સ વિલિયમ તેના સ્વસુર પક્ષ સાથે વધુ સમય વીતાવતો હોવાની પણ તેમને ફરિયાદ છે. તેઓ પોતાના મિત્રોમાં કહેતા રહે છે કે ‘તેઓ મને કદી પૌત્રને જોવા દેશે નહિ.’

સૂત્રના કહેવા અનુસાર કેરોલ મિડલટને પ્રિન્સ જ્યોર્જનો હવાલો સંભાળી લીધો છે. જ્યોર્જ ક્યારે ઉંઘશે, ક્યારે અને કેટલું ભોજન કરશે સહિતની બાબતોમાં તે ક્વીન કેરોલ તરીકે વર્તન કરી રહી છે. ચાર્લ્સના ગ્લુસ્ટરશાયરના હાઈગ્રોવ ઘરમાં વિલિયમ અને કેટની મુલાકાતો ઘણી ઓછી છે તે હકીકત છે. કેટલાંક લોકો માને છે કે વિલિયમ તેને સહન કરવા પડેલા દુઃખી ઉછેરનો ઓછાયો પોતાના પરિવાર પર ન પડે તેવું ઈરાદાપૂર્વક વર્તન કરે છે. વિલિયમ અને કેટનો મોટા ભાગનો સમય ક્વીનની સાન્ડ્રિઘામ એસ્ટેટ પર આવેલા નોરફોક, આનમેર હોલ ખાતે વ્યતીત થાય છે. બીજી તરફ કેરોલ મિડલટન પણ ચાર્લ્સની પત્ની કેમિલા સાથે મજબૂત સંબંધો ધરાવતી નથી. અહીં મિડલટન પરિવાર વારંવાર આવે છે અને ઘરના કામકાજમાં સક્રિય ભૂમિકા ભજવે છે. વિલિયમે ક્રિસમસમાં પરંપરા અનુસાર ક્વીન સાથે ભોજન લેવાના બદલે મિડલટન પરિવાર માટે અહીં જ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

ગયા મહિને જ વિલિયમના હાઉસકીપર અને ગાર્ડનર પાંચ માસની કામગીરી પછી અચાનક અહીંથી ચાલ્યા ગયા હતા. એમી અને કોલીન વૂડ દંપતી ક્વીનનાં સાન્ડ્રિઘામ પેલેસમાં જૂની નોકરીએ પાછું ફર્યું હતું. સ્ટાફની ફરિયાદ છે કે આનમેર હોલનું સંચાલન યોગ્ય શાહી પરિવાર તરીકે કરાતું નથી. તે તદ્દન મધ્યમવર્ગીય જેવું છે.

પ્રિન્સ ચાર્લ્સ તેમના પૌત્ર જ્યોર્જને છેલ્લે ક્યારે મળ્યા હતા તેવા પ્રશ્નના જવાબમાં ક્લેરેન્સ હાઉસના પ્રવક્તાએ અસામાન્ય નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, ‘અમે ખાનગી વ્યવસ્થાની ચોક્કસ બાબતો વિશે ટીપ્પણી કરતા નથી. હિઝ રોયલ હાઈનેસ તેમના પૌત્ર સાથે ઘણાં સારાં સંબંધને માણે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter