લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાની હત્યાનું કાવતરું આઈરિશ રીપબ્લિક પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. શાહી દંપતી ચાર દિવસ માટે આયર્લેન્ડ અને નોર્ધર્ન આયરલેન્ડ જવાના છે. તેઓ ૧૯ મેએ લોર્ડ માઉન્ટબેટનને અંજલિ આપવા મુલાકાત લેવાના હતા તે સ્થળેથી થોડાં માઈલના અંતરે ૨૧થી ૬૨ વર્ષના છ આઈરિશ પુરુષોની ધરપકડ કરાઈ હતી.
આ સ્થળની નજીક બોમ્બ અને ગનનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ લોકો કન્ટિન્યુઈટી અને રિયલ આઈઆરએ સાથે ગાઢ સંપર્ક ધરાવતા હોવાનું કહેવાય છે. ભારતના આખરી વાઈસરોય અને પ્રિન્સ ચાર્લ્સના ગોડફાધર લોર્ડ માઉન્ટબેટન અને તેમના ૧૪ વર્ષીય પૌત્ર નિકોલસની આઈઆરએ દ્વારા ઓગસ્ટ ૧૯૭૯માં બોમ્બ દ્વારા બોટ ઉડાવી હત્યા કરાઈ હતી.