લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે ત્યારે તેઓ વર્તમાન ઓનર્સ સિસ્ટમને ધરમૂળથી બદલી નાખવા ઈચ્છે છે. રાજગાદીના વારસદાર માને છે કે ખોટા માણસોને ખોટા કારણોસર આવા ચંદ્રકો અપાય છે. તેઓ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE) જેવાં ઈલકાબો બંધ કરી તેઓ તો પોતાની છબી અનુસાર રાજાશાહીને જ નહિ સમગ્ર દેશને પણ નવો આકાર આપવા ઈચ્છે છે. ટુંક સમયમાં પ્રસિદ્ધ થનારી પ્રિન્સ ચાર્લ્સની બાયોગ્રાફીમાં તેમના વિચારો આપવામાં આવ્યાં છે.
ટાઈમ મેગેઝિનના એડિટેર એટ લાર્જ કેથેરાઈન મેયર દ્વારા લિખિત અર્ધસત્તાવાર બાયોગ્રાફી માટે તેમને પ્રિન્સ ઓફ વેલ્સ, તેમના ગાઢ મિત્રો અને ક્લેરેન્સ હાઉસના સલાહકારોને મળવાની સંપૂર્ણ છૂટ અપાઈ હતી. મિસ મેયર પ્રિન્સ ચાર્લ્સને રાજાશાહીને પોતાની છબીમાં ઢાળવા ઈચ્છુક અને તેમની એકાકી અને મૌન માતાથી વિપરીત વ્યક્તિત્વ તરીકે વર્ણવે છે. પ્રિન્સ રાજા બને ત્યારે જેવા ઈલકાબોનો અંત લાવવા ઈચ્છે છે અને તેના સ્થાને નાની સંખ્યામાં આધુનિક અને સમતાવાદી એવોર્ડ્સ આપવા ઈચ્છે છે. પ્રિન્સના આંતરિક વર્તુળના એક સભ્ય કહે છે કે જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનું અસ્તિત્વ નથી ત્યારે લોકોને આવા ઈલકાબોની શા માટે નવાજેશ કરવી જોઈએ?
પ્રિન્સ ચાર્લ્સ ૨૯ જાન્યુઆરીએ ઈલકાબ વિતરણમાં ક્વીનના બદલે હાજર રહ્યા હતા. તેઓ માને છે કે ઓનર્સ સમારંભોનું સ્થાન ઉજવણી કે પાર્ટીએ લેવું જોઈએ. પ્રિન્સના નિકટતમ સૂત્ર પાર્ટીની તરફેણ કરતા કહે છે કે ‘અત્યારે તો ઈલકાબ મેળવનારે પેલેસ છોડીને જતા રહેવું પડે છે. આના બદલે આ પ્રસંગે પાર્ટી વધુ યોગ્ય ગણાય.’
પ્રિન્સ સામે ઘણી વાર રાષ્ટ્રીય મુદ્દાઓમાં દખલગીરી કરવાના આક્ષેપો થતા રહ્યા છે ત્યારે આ બાયોગ્રાફી તેમના વિચારો જાણવાની તક પૂરી પાડશે. લેખિકા સાથે અગાઉ પ્રસિદ્ધ નહિ થયેલા ઈન્ટરવ્યૂમાં પ્રિન્સે કહ્યું હતું કે તેઓ ‘મારામારીગ્રસ્ત’ વિશ્વને બદલી નાખવા મક્કમ છે. ‘હું સૌથી મુશ્કેલ પડકારો જ સામનો કરું છું. કારણ કે હું મહત્ત્વાકાંક્ષાઓ સર્જન કરવા અને નિરાશાના બદલે આશા અને વંચિતતાના બદલે આરોગ્ય સર્જવા ઈચ્છું છું.’ આ બાયોગ્રાફીમાં પ્રિન્સની કરકસર, પ્રિન્સ અને કેમિલા સામે પ્રિન્સેસ ડાયેનાની વેરભાવના, સ્ટાફના મતે પ્રિન્સના ‘બોન્ડ ફિલ્મોમા વિલન જેવા’ મિત્રો, પ્રિન્સનો ક્રોધાવેશ સહિતની બાબતોનો સમાવેશ થયો છે.