લંડન, બેલફાસ્ટઃ પ્રિન્સ ઓફ વેલ્સ અને સિન ફીનના નેતા જેરી આદમ્સ વચ્ચે મંગળવાર, ૧૯ મેએ ઐતિહાસિક બેઠક યોજાઈ હતી, જેને આદમ્સે ‘મીટિંગ ઓફ માઈન્ડસ’ તરીકે વર્ણવી હતી. રાજકીય અને લાગણીશીલ મહત્ત્વ ધરાવતા પ્રતીકાત્મક હસ્તધૂનન સાથે ૩૦ વર્ષના રક્તરંજિત સંઘર્ષમાં વિરોધી પક્ષમાં રહેલા આ વિરલ મહાનુભાવોએ શાંતિ અને સમાધાનની વાત કરવા તૈયારી દર્શાવી હતી. આઈરિશ રીપબ્લિકમાં સિન ફીનના વરિષ્ઠ નેતા આદમ્સને મળનારા પ્રિન્સ ચાર્લ્સ શાહી પરિવારના પ્રથમ સભ્ય બન્યા છે.
પ્રિન્સે જેરી આદમ્સ સાથે મુલાકાત કરી એટલું જ નહિ, તેની સાથે ખાનગીમાં વાતચીત પણ કરી હતી. આના પરથી શાંતિ પ્રક્રિયા કેટલી આગળ વધી છે તેનો નિર્દેશ મળી શકે છે. આદમ્સે કહ્યું હતું કે, ‘તેમણે અને અમે ૧૯૬૮ પછી જે કાંઈ થયું તેના વિશે દિલગીરી દર્શાવી હતી.’ પ્રિન્સ ચાર્લ્સે ૩૬ વર્ષ અગાઉ IRA દ્વારા હત્યા કરાયેલા તેમના ગ્રેટ અંકલ, અર્લ માઉન્ટબેટન ઓફ બર્માની મેમોરિયલ સર્વિસ સમયે આદમ્સને ‘ઈચ્છે ત્યારે લોકોને ઉડાવી દેતા અધમ ઉગ્રવાદી તરીકે ઓળખાવ્યા હતા.’
જોકે, હવે બન્ને પક્ષોએ તેમનામાં તફાવતના બદલે શું સમાનતા છે તેની વધુ વાત કરી હતી. દસ મિનિટની આ બેઠકમાં પૂર્વ IRA કમાન્ડર અને નોર્ધર્ન આયર્લેન્ડના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર માર્ટિન મેકગિન્નેસ પણ ઉપસ્થિત હતા. શાહી સૂત્રોએ મંત્રણા ‘ફળદાયી અને સમાધાનકારી’ ગણાવી હતી. મહારાણીની ૨૦૧૧માં આઈરિશ રીપબ્લિકની મુલાકાતે શાંતિપ્રક્રિયામાં આપેલા ફાળાની ખાસ નોંધ લેવાઈ હતી.