પ્રિન્સ વિલિયમ રેફરન્ડમના વિવાદમાં

Wednesday 24th February 2016 07:01 EST
 
 

લંડનઃ ડ્યૂક ઓફ કેમ્બ્રિજે બ્રિટનને મિત્રો બનાવવાની ગૌરવપૂર્ણ પરંપરા ધરાવતો દેશ ગણાવતા તેઓ ઈયુ રેફરન્ડમના વિવાદમાં ઘેરાઈ ગયા છે. વડા પ્રધાન ડેવિડ કેમરન ટુંક સમયમાં ઈયુ જનમતની તારીખ જાહેર કરે તેવી શક્યતા છે ત્યારે પ્રિન્સ વિલિયમની ટીપ્પણીને બ્રિટન યુરોપીય યુનિયનમાં રહેવાની તરફેણ સમાન ગણવામાં આવી છે. જોકે, ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાયેલા કેન્સિંગ્ટન પેલેસે પ્રિન્સ વિલિયમ દ્વારા ઈયુનું સમર્થન થયાનો ઈનકાર કરાયો હતો. આ સંબોધન યુરોપલક્ષી ન હોવાની સ્પષ્ટતા પણ પેલેસ દ્વારા કરવામાં આવી હતી.

ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ ખાતે સંબોધનમાં ડ્યુક ઓફ કેમ્બ્રિજે ‘અન્ય દેશો સાથે સમાન પ્રવૃત્તિમાં જોડાવાની યુકેની ક્ષમતા’ના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રો વચ્ચે સહકાર ‘આપણી સુરક્ષા અને સમૃદ્ધિની આધારશિલા’ છે. તેમણે ઉમેર્યું હતું કે,‘બ્રિટન સદીઓથી બહાર નજર કરનારો દેશ છે... અને આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણા મિત્રો અને પાર્ટનર્સ શોધવાની આપણી દીર્ઘકાલીન અને ગૌરવપૂર્ણ પરંપરા છે.’ પ્રિન્સના આવા નિવેદનથી ડાઉનિંગ સ્ટ્રીટ અને કેન્સિંગ્ટન પેલેસ આશ્ચર્ય અને મૂંઝવણમાં મૂકાયા હતા.

અગાઉ, સ્કોટલેન્ડના સ્વાતંત્ર્ય મતદાન સમયે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સ્કોટ્સે ‘ભાવિ વિશે અતિશય કાળજીપૂર્વક વિચારવુ જોઈશે’ના નિવેદને પણ વિવાદ સર્જ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter