લંડનઃ પ્રિન્સેસ શાર્લોટની સત્તાવાર નામકરણવિધિ પાંચ જુલાઈએ આર્ચબિશપ જસ્ટિન વેલ્બીના હાથે યોજાનાર છે ત્યારે તેના ગોડફાધર્સ કોણ હશે તેની અટકળો ચાલી રહી છે. વર્ષોથી ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ સાથે સાવધાનીપૂર્ણ મિત્રતા ધરાવવા સાથે શાહી પરિવારને સંપૂર્ણ વફાદાર જેમ્સ મીડ અને થોમસ વાન સ્ટ્રાઉબેન્ઝી પણ પ્રિન્સેસના ગોડફાધર બને તેવી શક્યતા દર્શાવાય છે. ડ્યૂક અને ડચેસના લગ્નસમયે મીડ અને વાન સ્ટ્રાઉબેન્ઝીએ છડીદાર તરીકે કામગીરી સાથે તેમના રિસેપ્શન સમારંભમાં સંયુક્ત સંબોધન પણ કર્યું હતું. પ્રિન્સેસના અન્ય સંભવિત ગોડપેરન્ટ્સમાં ડચેસની બાળપણની ગાઢ મિત્ર અને વાન સ્ટ્રાઉબેન્ઝીની પૂર્વ ગર્લફ્રેન્ડ સોફી કાર્ટરનો પણ સમાવેશ થાય છે.
ત્રણ વખતના ઓલિમ્પિક ઈક્વેસ્ટ્રીઅન ગોલ્ડ મેડાલિસ્ટ દિવંગત રિચાર્ડ મીડના પુત્ર અને ક્વોલિફાઈડ ચાર્ટર્ડ સર્વેયર જેમ્સ મીડ એટોનના કાળથી વિલિયમનો ગાઢ મિત્ર રહ્યો છે. ૨૦૦૭માં વિલિયમ અને કેટ થોડો સમય છૂટાં પડ્યા ત્યારે મીડે ડચેસ તરફ સંપૂર્ણ વફાદારી દર્શાવી સાથ આપ્યો હતો. થોમસ વાન સ્ટ્રાઉબેન્ઝીએ વિલિયમ અને પ્રિન્સ હેરી સાથે લુડગ્રોવ પ્રેપરેટરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બન્ને પ્રિન્સ થોમસના ૨૦૦૨માં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા નાના ભાઈ હેરી વાન સ્ટ્રાઉબેન્ઝી મેમોરિયલ ફંડના સંયુક્ત પેટ્રન પણ છે.
મહારાણીના સેન્ડ્રિઘામ એસ્ટેટસ્થિત સેન્ટ મેરી મેગ્ડેલેન ચર્ચ ખાતે પાંચમી જુલાઈએ યોજાનારી નામકરણવિધિમાં શાહી દંપતીના આંતરિક વર્તુળોમાંથી નિકટના કેટલાંક મિત્રો અને સ્નેહીઓને પ્રિન્સેસ શાર્લોટના ગોડપેરન્ટ્સ બનવા આમંત્રિત કરાયા છે.