લંડનઃ ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ સેન્ડ્રિઘામસ્થિત ૧૬મી સદીના સેન્ટ મેરી મેગ્ડેલન ચર્ચમાં પ્રિન્સેસ શાર્લોટ એલિઝાબેથ ડાયેનાની નામકરણ વિધિમાં પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટ સાથે પહેલીવાર જાહેરમાં એક સાથે જોવા મળ્યાં હતાં. વિધિમાં ક્વીન અને પ્રિન્સ ફિલિપ સાથે શાહી પરિવારના કેટલાક સભ્યો અને મિડલટન પરિવારની હાજરી છતાં આકર્ષણનું કેન્દ્ર તો પ્રિન્સ જ્યોર્જ બની રહ્યા હતા. ૩,૫૦૦થી વધુ લોકો રોયલ બેબીની નામકરણ વિધિ માટે એકત્ર થયાનો ઈતિહાસ રચાયો હતો કારણકે અગાઉ અન્ય કોઈ શાહી સભ્યની વિધિમાં લોકોને હાજર રહેવા આમંત્રણ અપાયું ન હતું. જોકે, નામકરણવિધિમાં માત્ર ૧૭ મહેમાનોની હાજરી રખાઈ હતી.
પ્રિન્સેસ શાર્લોટને પ્રાચીન પારણામાં રાખી આગળ ધકેલતા ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ મોટી સંખ્યામાં એકત્ર શુભેચ્છકોનું અભિવાદન ઝીલતા સેન્ડ્રિઘામ હાઉસથી ચર્ચ સુધી ચાલતા ગયા હતા. પ્રિન્સ જ્યોર્જ ડ્યુકની આંગળીએ વળગેલા હતા. આર્કબિશપ ઓફ કેન્ટરબરી દ્વારા શાહી પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ્ઞાંકિત પ્રિન્સ જ્યોર્જે પાદરી કેનોન જોનાથન રિવિયેર સાથે હસ્તધૂનન કર્યું હતું.
આર્કબિશપ જસ્ટિન વેલ્બીના હસ્તે નામકરણવિધિ રવિવારે બપોરના ૪.૩૦ કલાકે યોજાવાની હતી, પરંતુ દૂર દૂરથી લોકો આગલા દિવસથી એકત્ર થવા લાગ્યા હતા. પ્રિન્સ વિલિયમની માતા લેડી ડાયેનાની નામકરણવિધિ પણ આ જ ચર્ચમાં યોજાઈ હતી.