હરિશભાઇ આઈ. કે. પટેલનું મલ્ટીપલ માયલોમા સામે ત્રણ વર્ષના સંઘર્ષ પછી લંડનમાં ગુરુવાર, ત્રીજી માર્ચ ૨૦૧૬ના દિવસે અવસાન થયું છે. હરિશભાઈનો જન્મ ટાન્ઝાનિયાના મ્વાન્ઝા ખાતે બીજી એપ્રિલ, ૧૯૫૫માં થયો હતો. તેઓ પોતાની પાછળ વહાલસોયા માતા વિમળાબહેન, પ્રેમાળ પત્ની ગીતા, પુત્ર પૂજન, પુત્રી જાનકી અને ત્રણ બહેનો રંજનબહેન, ઈન્દિરાબહેન અને યામિનીબહેનના બહોળા પરિવારને વિલાપ કરતો છોડી ગયા છે.
હરિશભાઈ તેમના બેન્ક મેનેજર અને સામાજીક અગ્રણી પિતા દિવંગત ઈશ્વરભાઈ કે. પટેલ (અાઇ.કે)ની સાથે ૧૯૭૩માં યુકે આવ્યા હતા. તેઓ પોતાના પિતાની માફક જ સમાજના સિધ્ધાંતપરસ્ત અને સન્માનીય સભ્ય બની રહ્યા હતા. એક બિઝનેસમેન અને પરિવારજન તરીકે તેઓ આદર્શ સમાન હતા. તેઓ નીસડનમાં BAPS ટેમ્પલ, ભારતીય વિદ્યાભવન અને ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ સહિત સંખ્યાબંધ સેવાલક્ષી સંસ્થાઓમાં સક્રિયપણે સામેલ હતા.
પિતાના નિધન પછી તેમણે આ અસાધારણ વ્યક્તિત્વની યાદગીરીમાં આઈકે ફાઉન્ડેશન નામની સખાવતી સંસ્થાનો આરંભ કર્યો હતો. પોતાના આ કાર્ય થકી તેમણે શૈક્ષણિક કામગીરીમાં ભંડોળ પુરું પાડવાના ધ્યેય સાથે નોંધપાત્ર ભંડોળ એકત્ર કર્યું હતું. હરિશભાઈ વેમ્બલીમાં ૨૭ ગામ સમાજના ટ્રસ્ટી પણ હતા, જ્યાં તેમણે વર્ષો સુધી ભંડોળ એકત્ર કરવાની સમર્પિત કામગીરી બજાવવા સાથે કોમ્યુનિટી સેન્ટરના નિર્માણ પર ધ્યાન આપ્યું હતું. તેઓ એટલા વિનમ્ર હતા કે આ પ્રોજેક્ટની સફળતામાં તેમણે ભજવેલી અભૂતપૂર્વ ભૂમિકા અંગે સન્માન પણ નકારી દીધું હતું.
બીમારી દરમિયાન ભારે પડકારો હોવાં છતાં, તેમનો અદ્ભૂત ઉત્સાહ ઓસર્યો ન હતો અને સૌ માટે તેઓ મોટી પ્રેરણા બની રહ્યા હતા. હરિશભાઈ ભારે સેવાપરાયણ, અતુલનીય, શિષ્ટ, મહેનતુ, સ્નેહીજન અને બિઝનેસમેન હતા.
તેઓ પોતાની પાછળ પ્રેમાળ પરિવાર અને તેમના પરિચયમાં આવેલા સહુ માટે પ્રેમ અને સન્માનનો વારસો મૂકતા ગયા છે. હું ખરેખર, સાચા માનવી અને ઉમદા આત્મા હરિશભાઈ વિનાના જીવનની કલ્પના કરી શકતો નથી, જેઓ હજારો લોકોના જીવનને સ્પર્શી ગયા છે. હરિશ આઈ. કે. વિના જીવન હવે પહેલા જેવું તો નહિ જ રહે.
ફ્યુનરલ સર્વિસ મંગળવાર, આઠમી માર્ચ, ૨૦૧૬ના બપોરે ૩.૦૦ વાગ્યે ગોલ્ડર્સ ગ્રીન ક્રીમેટોરિયમ, હૂપ લેન, લંડન NW11 7NL ખાતે યોજવામાં આવી છે. સદ્ગતની યાદમાં નીસડનના BAPS સ્વામીનારાયણ મંદિરમાં સાંજના ૭.૦૦ વાગ્યાથી પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે.
-જશમીંદર સિંઘ
(જાણીતા હોટેલીયર અને પટેલ પરિવારના માનદ્ સદસ્ય)