ગત ૧૬ નવેમ્બરની સાંજે હેરો કોલેજમાં યોજાયેલી પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સ મીટમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. એશિયન વોઈસ દ્વારા આયોજિત આ કાર્યક્રમના સ્પોન્સર મેટ્રો બેંક અને બ્રિટિશ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડેવલપર ગેલિયાર્ડ હોમ્સ હતા. જાણીતી પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ કંપની સો એન્ડ રીપનો સહયોગ સાંપડ્યો હતો.
શરૂઆત મુખ્ય વિષય ' ટેક્સઃ એ પરફેક્ટ સ્ટોર્મ ઓર એ નેવિગેબલ હેડવિન્ડ ? ' પર કાર્યક્રમના મોડરેટર અને પ્રોપર્ટી સ્પેશિયાલિસ્ટ સો એન્ડ રીપના સ્થાપક સુરેશ વગજીયાણીના વક્તવ્ય સાથે થઈ હતી. ત્યારપછી આ ક્ષેત્રના પાંચ નિષ્ણાતો સાથે પેનલ ડિસ્કશન અને બાદમાં પ્રેક્ષકો સાથે પ્રશ્રોત્તરી કરવામાં આવી હતી.
સુરેશ વગજીયાણીએ મુખ્ય વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે અત્યારના માહોલમાં એવી સ્થિતિ ઉભી થઈ છે કે સ્ટેમ્પ ડ્યુટી બોજારૂપ અને ખૂબ મોંઘી થઈ ગઈ છે અને પ્રોપર્ટીની આવક પર પણ અસર પડી રહી છે. પ્રોપર્ટી ઈન્ડસ્ટ્રીને છેલ્લા થોડા વર્ષમાં સુધારા, ઉદ્દામવાદી અને નકારાત્મક ટેક્સ ફેરફારનો માર પડી રહ્યો છે. અત્યારે વધુ પારદર્શિતા માટેની માગ વધી રહી છે.
લોકલ ડિરેક્ટર રિચાર્ડ માર્ગ્રેવ (હેરો બ્રાન્ચ, મેટ્રો બેંક) એ મેટ્રો બેંક વતી પ્રવચન આપ્યું હતું.
ત્યારબાદ ગેલિયાર્ડ હોમ્સના સેલ્સ ડિરેક્ટર ડેવિડ ગેલ્મેને પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ અને હાલ પણ તે શા માટે નક્કર, લાંબા ગાળાનું ઈન્વેસ્ટમેન્ટ છે તેનું વિહંગાવલોકન રજૂ કર્યું હતું. તેમણે પ્રોપર્ટી માટેના હાલના પ્રતિકુળ માહોલમાં ઉપલબ્ધ તકોની વાત કરી હતી.
સાયમન ફેરેલ QC અને બેરિસ્ટર એલિસ સરીને યુકેની બેંકો દ્વારા નવી પ્રોપર્ટી સ્કીમ્સ પર અપાતી ઓફરોના કાનૂની પાસાની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે આકર્ષક પરંતુ જોખમી ટેક્સ પ્લાનિંગ સ્કીમથી બચવાના ઉપાયોની પણ માહિતી આપી હતી.
પ્રાઈસ બેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના પાર્ટનર જય સંઘરાજકાએ પ્રોપર્ટી ટેક્સ પ્લાનિંગ વિશે ઉપસ્થિત શ્રોતાઓને સલાહ આપી હતી. તેઓ સરકાર માન્ય એન્ટરપ્રાઈઝ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ (EIS) અને સીડ એન્ટરપ્રાઈઝ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ (SEIS) વિશે સલાહ આપવામાં નિષ્ણાત છે.
મેટ્રો બેંકના લોકલ ડિરેક્ટર (સ્લાઉ બ્રાન્ચ) રોશન પટેલ અને મેટ્રો બેંકના રિજનલ કોમર્શિયલ બેંકિંગ ડિરેક્ટર અલી પીરભાઈએ પ્રોપર્ટી ખરીદીની વાત આવે ત્યારે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને મેટ્રો બેંક વિવિધ પ્રકારે કેવી સેવા પૂરી પાડે છે તેની માહિતી આપી હતી.
પ્રેક્ષકો સાથેની પ્રશ્રોત્તરીમાં તેમને સ્ટુડન્ટ હાઉસિંગ પ્રોપર્ટી ખરીદવા વિશે અને વારસાઈ મિલ્કત સહિતના પ્રશ્રોના જવાબો અને માર્ગદર્શન તથા સલાહ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અન્ય લોકો ઉપરાંત ઈન્વેસ્ટરો, બેંકરો, પ્રોપર્ટી લોયર્સે હાજરી આપી હતી. એશિયન હાઉસ અને હોમ મેગેઝિન ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે તેના પૂર્વઆયોજનરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.