લંડનઃ વેસ્ટ હેન્ડોનમાં એજવેર રોડ પરના ફન્કી બ્રાઉન્ઝ રેસ્ટોરાંમાં ઉંદરની લીંડીઓ મળી આવતા તેનું લાઈસન્સ રદ કરાયું છે. પર્યાવરણીય અધિકારીઓની તપાસમાં રેસ્ટોરાંનું વાતાવરણ આરોગ્યને જોખમી જણાયું હતું. બાર્નેટ કાઉન્સિલની લાઈસન્સિંગ સબ કમિટીની બેઠકમાં સોમવારે આ નિર્ણય લેવાયો હતો.
કાઉન્સિલ એન્વિરોન્મેન્ટ ઓફિસર જેનેટ મીડે બેઠકમાં જણાવ્યું હતું કે ગત નવેમ્બરમાં રેસ્ટોરાંની તપાસ દરમિયાન ફ્લોર અને બાર એરિયામાં ઉંદરની લીંડી અને મૂત્રના પુરાવા મળી આવ્યા હતા. રેસ્ટોરાંમાં ગરમ પાણીની સવલત ન હતી અને પાણી ઉભરાતું હતું. ફન્કી બ્રાઉન્ઝ રેસ્ટોરાંને અલગ અલગ સમયે ૧૧ ચેતવણી અપાઈ હતી, પરંતુ માલિકોએ આરોગ્ય, સલામતી અને કાયદાપાલનની સતત અવગણના કરી હતી.