ફર્નહામના જાણીતા ફાર્માસિસ્ટ બિપીન દેસાઇએ પોતાના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઇની આયોજનબધ્ધ હત્યા કરી હોવાની કોર્ટમાં દલીલ કરાઇ હતી. આ અગાઉ વયોવૃદ્ધ પિતાની હત્યા કરવા માટે પોતે ફાર્મસીમાંથી મોર્ફિન અને ઇન્સ્યુલિનની ચોરી કરી હોવાની તેમજ પિતાને આત્મહત્યા માટે મદદ કરી હોવાની કબુલાત બિપીન દેસાઇ કરી ચૂક્યા છે. આજે તા. ૧૩ના રોજ ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટમાં બિપીન દેસાઇએ અગાઉ પોલીસ સમક્ષ કરેલી કબુલાતનો સમગ્ર વિડીયો જ્યુરી અને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેમાં બિપીન દેસાઇએ રજેરજની માહિતી આપી હતી.
ડિટેક્ટીવ્સ સમક્ષ પોતે પિતાને આત્મહત્યા માટે કઇ રીતે મદદ કરી તે અંગેની કબુલાતમાં બિપીન દેસાઇએ જણાવ્યું હતું કે "તે દિવસે પત્ની અને બાળકો લંડન હતા ત્યારે કેળા, સફરજન અને અન્ય ફળોમાંથી સ્મુધી બનાવી હતી અને તેમાં મોર્ફીન મેળવ્યું હતું અને પિતા ધીરજલાલને પીવડાવ્યું હતું.”
બિપીન દેસાઇએ જણાવ્યું હતું કે "સ્મુધી પી લીધા પછી પિતા ધિરજલાલ સુવા ગયા હતા ત્યારે મેં તેમના કપાળ પર હળવુ ચુંબન કર્યું હતું. ત્યારે મારા પિતાએ મને જણાવ્યું હતું કે તેં જે કાંઇ મારા માટે કર્યું તે માટે તારો આભાર. તે પછી તેઅો સુઇ ગયા હતા અને હું નીચે ટીવી જોવા પરત થયો હતો. અડધો કલાક ટીવી જોયા પછી પિતાના રૂમમાં પરત થયો ત્યારે તેમના શ્વાસ ચાલતા હતા. પરંતુ તેઅો ઘેરી ઉંઘમાં હતાં ત્યારે જ મેં તેમને ઇન્સ્યુલીનનો અોવરડોઝ ધરાવતું ઇંજેક્શન પેટમાં આપ્યું હતું.”
પ્રોસિક્યુટર વિલિયમ બોય્સ ક્યુસીએ જ્યુરી અને કોર્ટને જણાવ્યું હતું કે "ધીરજલાલ દેસાઇની આયોજનબધ્ધ હત્યા કરાઇ હતી. બિપીન દેસાઇને આશા હતી કે તેઅો હત્યાને કુદરતી મૃત્યુ તરીકે ખપાવી દેવામાં સફળ થશે. તેમણે આ માટે ફાર્મસીમાં કામે જતા પહેલા સવારે પિતાને નાસ્તો આપવાનું નાટક પણ કર્યું હતું. તેઅો રાત્રે કામ પરથી ઘરે પરત થયા ત્યારે રૂમના પડદા બંધ જોઇ તપાસ કરી પિતા મૃત્યુ પામ્યા હોવાની જાણ થતાં પોલીસને ફોન કર્યો હતો.”
પ્રોસિક્યુટરે જ્યુરીને જણાવ્યું હતું કે "બિપીન દેસાઇએ તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ સાંજે ફર્નહામ લેઝર સેન્ટર ખાતે પાઈલેટ ક્લાસમાં હાજરી આપી હતી અને પછી ટીવી પર માન્ચેસ્ટર યુનાઈટેડની પ્રિમીયર લીગની મેચ નિહાળી હતી. તે પછી તેમણે ફ્રુટ સ્મુધીમાં મોર્ફિનનો મોટો ડોઝ મીક્સ કરીને પિતા ધીરજલાલ દેસાઇ સુઇ જતા તેમને ઇન્સ્યુલીનનો ઘાતક ડોઝ ધરાવતું ઇંજેક્શન આપી દીધું હતું.”
પરંતુ બે દિવસ પછી ધીરજલાલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાશે તેમ જાહેર થતાં બિપીન દેસાઇ પત્ની દિપ્તીબહેન અને બે પુત્રો સાથે જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને બીમાર પિતાને આત્મહત્યા માટે મદદ કરી હોવાની કબુલાત કરી હતી. જેનું પોલીસે વિડીયો રેકોર્ડીંગ કર્યું હતું.
બિપીન દેસાઇએ પોલીસને કહ્યું હતું કે "મારા પિતા ડીપ્રેશનથી પિડાય છે અને તેઅો છેલ્લા પાંચ છ માસથી મોત માંગતા હતા, જેથી તેઅો ૨૦૦૩માં મરણ પામેલ પત્ની અને ૨૦૧૦માં મરણ પામેલ પાળેલા કુતરાને સ્વર્ગમાં મળી શકે. તેઅો છેલ્લા ૪-૫ દિવસથી ઉપર (સ્વર્ગ)માં જવા માંગતા હતા. પહેલા તો મેં પિતાને ફરીથી ઉભા થવા અને સામાન્ય જીવન જીવવા જણાવ્યું હતું, પરંતુ સમય જતાં તેઅો પોતાના પગ પર ચાલવા માટે અસક્ષમ થઇ ગયા હતા અને થોડું ચાલે તો પણ થાકી જતા હતા.
પ્રોસિક્યુટરે જ્યુરીને જણાવ્યું હતું કે "મોતને ભેટેલા ધીરજલાલ દેસાઇ શારીરિક રીતે કમજોર હોય કે અપંગ હોય તેવા કોઇ ચિન્હો દેખાતા નહોતા. તેમની વય હોવા છતાં તેઅો મોતના નજીક હોય તેમ તેમના ચહેરા પર જણાતું ન હતું.
કોર્ટમાં જણાવાયું હતું કે વૌઘાન જેમ્સ ફાર્મસી દ્વારા ખૂબજ ઉગ્ર ૨૦ એમએલનું મોર્ફીન ૨૦-૨-૧૫ના રોજ અોર્ડર કરાયું હતું જે માટે બિપીન દેસાઇ જવાબદાર હતા. પોસ્ટમોર્ટમમાં જણાયું હતું કે મૃત ધીરજલાલ દેસાઇના દેહમાં પ્રતિ લિટર ૧૦૩૮ મીલીગ્રામ મોર્ફિન મળી આવ્યું હતું અને મોત માટે બીજુ કોઇ કારણ જણાયું નહતું. ધીરજલાલને અપાયેલું મોર્ફીન જીવલેણ હતું. આત્મહત્યામાં મદદ કરવા જેવો સરખામણીમાં નાનો આરોપ કબુલ કરવા પાછળનું કારણ સત્યને છુપાવવાનો છે, જે ખરેખર તો એક હત્યા હતી.”
વૌઘાન જેમ્સ કેમિસ્ટમાં સપ્તાહમાં ત્રણ દિવસ નોકરી કરતા અને તે જ ફાર્મસીની અગાઉ માલિકી ધરાવતા બિપીન દેસાઇની ગત અોગસ્ટ ૨૦૧૫માં ધરપકડ કરાઇ હતી. મોતને ભેટેલા ધીરજલાલ દેસાઇ પત્ની-પુત્ર અને પરિવાર સાથે ઝાંબીયા રહેતા હતા અને પછી પરિવાર સાથે ઝીમ્બાબ્વે રહેવા ગયા હતા. ત્યાંથી ફેબ્રુઆરી ૨૦૧૫માં જ પુત્ર બિપીન દેસાઇના પરિવાર સાથે રહેવા ગયા હતા. બે બાળકોના પિતા અને ડોકનફિલ્ડ સરેમાં ૧.૩ મિલિયન પાઉન્ડનું વૈભવશાળી નિવાસસ્થાન ધરાવતા બિપીન દેસાઇ સામે ગત સપ્તાહે સોમવારે ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી જે ત્રણ સપ્તાહ સુધી ચાલશે.