લંડનઃ રનીમીડ અને વેબ્રીજના સાંસદ અને ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડે તેમના સત્તાવાર નિવાસસ્થાને વોકિંગ અને સામ બીઅરે હોસ્પિસીસ માટે ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું. ત્રીજી નવેમ્બરે લંડનના કાર્લટન ગાર્ડન્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં સરેની મધ્યમાં આવેલા હોસ્પિસ કેરના સમર્થકોને ભાવિ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોમાં હોસ્પિસીસ ન્યુ ફ્યુચર અપીલ કમિટીના ચેરમેન અને ગ્લોબર બિઝનેસમેન પેટ્રિક ઓ’ સુલિવાન, કમિટીના સભ્યો, સ્થાનિક સેલેબ્રિટી પેટ્રન માઈકલ એસ્પેલ અને નામાંકિત વ્યક્તિત્વ ક્રિસ ઈન્ગ્રામ સહિતનો સમાવેશ થયો હતો.
સીઈઓ નાઈજેલ હાર્ડિંગ, મેડિકલ ડિરેક્ટર ડો. ફિઓના બેઈલી અને કમિટીના ચેરમેન પેટ્રિક ઓ’ સુલિવાનની રજૂઆતો અગાઉ હેમન્ડે કાર્યક્રમની રુપરેખા આપી હતી. ગોલ્ડ્સવર્થ પાર્ક ખાતે નવા અત્યાધુનિક હોસ્પિસ અને સામ બીઅરે હોસ્પિસની નવરચના થકી સ્થાનિક કોમ્યુનિટી માટે ઉપશામક સારસંભાળની જોગવાઈની જાણકારી મહેમાનોને આપવામાં આવી હતી. કોમ્યુનિટી તેમજ આગામી પેઢીઓ માટે હોસ્પિસ દ્વારા અપાતી સંભાળના મહત્ત્વ વિશે ભાવનાત્મક ફિલ્મ પણ દર્શાવાઈ હતી.
ફંડરેઈઝિંગ ડેવલપમેન્ટ મેનેજર એમી સ્વીટિંગે સત્કાર બદલ સાંસદ ફિલિપ હેમન્ડનો આભાર માન્યો હતો. સરેમાં હોસ્પિસ કેરનું સ્વપ્ન સાકાર બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. વોકિંગ બરો કાઉન્સિલ દ્વારા લોનસુવિધા મંજૂર કરાયા સાથે ટ્રસ્ટો, ફાઉન્ડેશન્સ અને બિઝનેસીસને ફંડ માટેની અપીલો કરાઈ રહી છે. નિર્માણકાર્ય આગળ વધવા સાથે નોર્થ વેસ્ટ સરેની તમામ કોમ્યુનિટીને અપીલમાં આવરી લેવાશે. વધુ માહિતી માટે વેબસાઈટ www.wsbhospices.co.uk નો સંપર્ક સાધવો.