લંડનઃ વયોવૃદ્ધ પણ દિલથી જવાન ૧૦૫ વર્ષના શીખ દોડવીર ફૌજા સિંહે પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લઈ દોડવીરોના એક જૂથની વર્ષગાંઠની ઉજવણીને યાદગાર બનાવી હતી. ફૌજા સિંહે રુટલેન્ડ વોટર પાર્કરન જૂથના આયોજકોનું આમંત્રણ સ્વીકારી લીધું હતું અને અન્ય ૨૦૦ રનર્સની સાથે તેઓ દોડ્યા હતા.
લંડનમાં રહેતા ફૌજા સિંહે ૮૯ વર્ષની વયે દોડવાની શરૂઆત કરી હતી અને તે પછી આઠ મેરેથોન પૂર્ણ કરી છે. ‘ટર્બન્ડ ટોર્નેડો’ અને ‘શીખ સુપરમેન’ તરીકે પણ ઓળખાતા ફૌજા સિંહ દોડવામાં તેમના વયજૂથમાં વિશ્વવિક્રમ ધરાવે છે. ૨૦૦૩માં યોજાયેલી લંડન મેરેથોનમાં તેમનો અંગત શ્રેષ્ઠ સમય ૬ કલાક અને ૨ મિનિટનો હતો, જ્યારે ૨૦૦૩ની ટોરોન્ટો વોટરફ્રન્ટ મેરેથોનમાં ૯૦થી વધુ વયના માટે તેમનો મેરેથોન રેકોર્ડ ૯૨ વર્ષની વયે ૫ કલાક અને ૪૦ મિનિટનો છે. તેઓ ૨૦૦૪માં સ્પોર્ટ્સવેર ઉત્પાદક અડિડાસના વિજ્ઞાપન અભિયાનમાં ડેવિડ બેકહામ અને મોહમ્મદ અલી સાથે પણ દેખાયા હતા.
રુટલેન્ડ વોટર પાર્કરનના ડિરેક્ટર પોલ રોજર્સને જણાવ્યું હતું કે,‘આ દિવસે નિઃશંકપણે વિશ્વના સૌથી વયોવૃદ્ધ દોડવીર ફૌજા સિંહ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા, જેઓ ૧૦૫ વર્ષની વયે પણ યુવાન છે. તેમણે અમારા ઈવેન્ટ માટે ટેઈલ રનર બનવાનું સ્વીકાર્યું હતું. આ માનવી દોડવિશ્વમાં દંતકથા છે, જેમણે છેક ૮૯ વર્ષની વયે દોડવાનું શરુ કર્યું અને તે પછી આઠ પૂર્ણ મેરેથોન પૂરી કરી હતી. હવે તેમણે સ્પર્ધાત્મક દોડમાંથી નિવૃત્તિ લીધી છે ત્યારે આ તેમના ત્રીજા પાર્કરન માટે તેમની હાજરી અમારા માટે ગૌરવ છે.’
આ દોડમાં ભાગ લેવા માટે www.parkrun.org.uk પર નામ રજિસ્ટર્ડ કરાવી શનિવારે નોર્મન્ટન ચર્ચથી જેમ સુધી અને ત્યાંથી પરત આવવાની દોડમાં સવારે નવ વાગ્યે રુટલેન્ડ વોટર પહોંચી શકાય છે.