લંડનઃ કરકસરના કારણે બજેટમાં મૂકાયેલા કાપના લીધે ટોરી પાર્ટીના શાસન હેઠળની વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલે સપ્ટેમ્બરના આરંભથી સીસીટીવી નેટવર્ક બંધ કરી દેવા નિર્ણય લીધો છે. આના પરિણામે સેન્ટ્રલ લંડનનો મોટા ભાગનો વિસ્તાર સર્વેલન્સ કેમેરારહિત બની જશે. કાઉન્સિલે જણાવ્યું હતું કે વેસ્ટ એન્ડ, પાર્લામેન્ટ તથા લંડનના અન્ય પ્રસિદ્ધ લેન્ડમાર્કસ પર ગોઠવાયેલા ૭૫ જેટલા સર્વેલન્સ કેમેરાના નિભાવ માટે તેની પાસે નાણા નથી.
એક રિપોર્ટમાં કાઉન્સિલે આ પગલા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ભંડોળકાપને જવાબદાર ગણાવ્યો હતો. સીસીટીવી નેટવર્ક બંધ કરાતાં વાર્ષિક દસ લાખ પાઉન્ડની બચત થશે. વેસ્ટમિન્સ્ટરનો કાઉન્સિલ ટેક્સ દેશભરમાં સૌથી નીચો છે, પરંતુ તેને બજેટકાપ સરભર કરવા આગામી ત્રણ વર્ષમાં ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધુ બચત કરવી પડે તેમ છે. જોકે, એવી પણ કબૂલાત કરી હતી કે આના કારણે સેંકડો અપરાધની કાનૂની તપાસ કે કાર્યવાહી થઈ શકશે નહિ.
કાઉન્સિલે કહ્યું હતું કે કેમેરા નેટવર્કના નિભાવમાં ખર્ચની જરૂર નથી કારણકે તેનો લાભ મેટ્રોપોલિટન પોલીસને મળે છે, જે ખર્ચામાં ફાળો આપતી નથી. વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલના જ આંકડા અનુસાર કેમેરા નેટવર્ક વર્ષે સરેરાશ ૧,૩૦૦ ધરપકડમાં ફાળો આપે છે. કેમેરા નેટવર્ક માસિક સરેરાશ ૬૦૦ અપરાધી ઘટનાઓ રેકોર્ડ કરે છે, જેમાં ૧૪૪ લૂંટ, ૨૬૫ શંકાસ્પદ પેકેજ અથવા વ્યક્તિઓ અને ૧૮૧ ડ્રગ ઓફેન્સીસનો સમાવેશ થાય છે.