સાઉથોલઃ મોબાઈલ ફોનની એસેસરીઝના હોલસેલર ધ ફોન શોપ પાર્ટ્સ લિમિટેડ અને તેના માલિક રાજિન્દર સિંહ ચોપરાને આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે ભારે દંડ અને જેલની સજા ફરમાવી હતી. બનાવટી સામાન રાખવા બદલ ચોપરાને જેલની સજા બે વર્ષ માટે સસ્પેન્ડ રખાઈ હતી.
ઈલિંગ કાઉન્સિલના સફળ પ્રોસિક્યુશનના કારણે કંપનીને ૩૦ ઓક્ટોબરે જાહેર કરાયેલા ૧૭,૭૩૦ના દંડમાં ઈલિંગ કાઉન્સિલના ૧૦,૭૩૦ પાઉન્ડના ખર્ચાનો પણ સમાવેશ થાય છે. રાજિન્દર સિંહ ચોપરાએ ૨૫૦ કલાકનું અવેતન કોમ્યુનિટી કાર્ય કરવા ઉપરાંત, વિક્ટીમ સરચાર્જ પણ ભરવાનો રહેશે. સજા ફરમાવતી વખતે ચોપરા વિરુદ્ધ અગાઉ આદેશ કરાયેલા ૪૩,૦૦૦ પાઉન્ડના જપ્તી આદેશને પણ ધ્યાનમાં લેવાયો હતો. આદેશની રકમ એન્ફોર્સમેન્ટની સુનાવણીની તારીખ ૨૪ નવેમ્બર સુધીમાં ચુકવવાની હતી.
કાઉન્સિલના ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ અધિકારીઓએ ગત વર્ષના ઓપરેશનમાં ૨૦,૦૦૦ પાઉન્ડથી વધુ કિંમતની ૪,૦૦૦થી વધુ આઈટમ જપ્ત કરી હતી. સામાનમાં એપલ, નોકિયા, સેમસંગ, બ્લેકબેરી, સોની સહિતની કંપનીઓના બનાવટી પાર્ટ્સ, બેટરીઝ અને મોબાઈલ ફોન્સના પ્રોટેક્ટિવ કવર્સનો સમાવેશ થયો હતો. અધિકારીઓને ગેરકાયદે આયાતના પુરાવા ઉપરાંત, સંભવિત જોખમી વીજસાધનો અને નાણા પણ મળી આવ્યાં હતાં. દરોડા પછી ચોપરાની ધરપકડ કરવામાં આવી હતી.