બર્મિંગહામઃ શનિવાર, પાંચમી સપ્ટેમ્બરની મધરાતે ૧૨.૩૦ના સુમારે એક છૂરાબાજે બર્મિંગહામ ગે વિલેજના સિટી સેન્ટરમાં આતંક મચાવી દીધો હતો. બે કલાક ચાલેલી છૂરાબાજીની આ ઘટનામાં ૨૩ વર્ષના જેકોબ બિલિંગ્ટનનું મોત નીપજ્યું છે જ્યારે તેના મિત્ર માઈકલ કાલાહન સહિત બેની ગંભીર હાલત સાથે સાત વ્યક્તિને ઈજા પહોંચી છે. પોલીસ અને સુરક્ષા જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને તરત જ ઘેરાબંધી તો કરી હતી પરંતુ, હુમલાખોર નાસી જવામાં સફળ રહ્યો હતો.
ઘટનાનો સીસીટીવી વીડિયો અને શકમંદ હુમલાખોરનું વર્ણન જારી કરવામાં ૧૫ કલાકના અક્ષમ્ય વિલંબ બદલ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસની ભારે ટીકા કરાઈ છે. પોલીસ હુમલાખોરની ઓળખ સ્થાપિત કરી શકી નથી પરંતુ, આ હુમલાઓ ત્રાસવાદ સાથે સંકળાયેલા ન હોવાનો દાવો કર્યો હતો. પોલીસે આ શ્રેણીબદ્ધ સ્ટેબિંગ્સને ‘રેન્ડમ’ ગણાવ્યા હતા. આ કરપીણ હત્યા સબબે ૨૭ વર્ષની વ્યક્તિની ધરપકડ કરાઈ છે. તેને હત્યા અને સાત હત્યાના પ્રયાસની શંકાએ કસ્ટડીમાં રખાયો છે.
હુમલાખોરનું નિશાન યુવાનો?
બર્મિંગહામના ગે વિલેજ વિસ્તારમાં ત્રાટકેલા હુમલાખોરનું નિશાન યુવાનો હોવાનું જણાય છે કારણ કે ૨૩ વર્ષના યુવકની હત્યા કરી હતી જ્યારે ૧૯ વર્ષના યુવક અને ૩૨ વર્ષની યુવતીને ગંભીર ઈજા પહોંચાડી હતી. યુવતીને ગળામાં ચાકુના સાત ઘા માર્યા છે. અન્ય પાંચ ઈજાગ્રસ્ત પણ ૨૦-૪૦ વયજૂથના છે.
ઘટનાના પગલે બર્મિંગહામમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ ચાલુ કરી દેવાયું હતું અને લોકોને સાવધ રહેવાની ચેતવણી અપાઈ હતી. હુમલાખોરે હુમલા કરવા માટે સિટી સેન્ટરનો બે માઈલનો વિસ્તાર આવરી લીધો હોવાથી વધુ હુમલા અટકાવી ન શકાયા તેમ પોલીસે જણાવ્યું હતું.
હુમલાખોર ખુલ્લેઆમ ફરતો રહ્યો
ઈંગ્લેન્ડમાં સૌથી મોટા બીજા ક્રમનું પોલીસ દળ બર્મિંગહામનું હોવાં છતાં, અધિકારીઓ ૧૫ કલાક પછી હુમલાખોરનું વર્ણન જાહેર કરી શક્યા હતા. હુમલાખોર વધુ સ્ટેબિંગ્સ કરવા શહેરમાં કેવી રીતે ફરતો રહી શક્યો તેવા પ્રશ્નો પણ પૂછાયા છે. પેરી બારના લેબર સાંસદ અને શેડો મિનિસ્ટર ખાલિદ મહમૂદે જણાવ્યું હતું કે, ‘જો પોલીસને પ્રતિસાદ ઝડપી રહ્યો હોત તો મૃત વ્યક્તિને બચાવી શકી હોત.
પોલીસ અધિકારીઓએ વેળાસર હુમલાખોરનું વર્ણન જાહેર નહિ કરીને તેને નાસી છૂટવાનો પૂરતો સમય આપી દીધો.’ સિટી સેન્ટરમાં કેમેરાનું વિશાળ નેટવર્ક હોવાં છતાં, હુમલાખોર બે કલાક સુધી સેન્ટરની આસપાસ ફરતો રહ્યો તો મોનિટરિંગ કેવી રીતે થયું કહેવાય તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ અને ક્રાઈમ કમિશનરના હોદ્દા માટે કન્ઝર્વેટિવ ઉમેદવાર જય સિંહ સોહલે કહ્યું હતું કે, ‘પોલીસે તત્કાળ સૌથી મહત્ત્વપૂર્ણ વિગતો જાહેર ન કરી, તેઓ જેને શોધતા હતા તેનું વર્ણન પણ જાહેર ન કર્યું તે મને વિચિત્ર જણાય છે. આ વિલંબનો અર્થ એટલો જ થાય કે હુમલાખોર કોઈ પણ સ્થળે હોઈ શકે છે.’
બ્લેક હુડીમાં અશ્વેત પુરુષની ઈમેજ જારી
પોલીસ અધિકારીઓ દ્વારા શકમંદ હુમલાખોરની તસવીર જારી કરાઈ છે જેમાં બ્લેક હુડીમાં અશ્વેત પુરષ જણાય છે. વ્હાઈટ કોર્ડ અને કેપ પહેરેલો આ શકમંદ એક પુરુષની હત્યા કર્યા પછી વહેલી સવારના ૧.૫૭ કલાકે ગે વિલેજમાં લટાર મારવા નીકળ્યો હોય તેમ દેખાયો હતો. થોડી જ મિનિટો પછી તેણે એક મહિલાના ગળામાં ચાકુના સાત ઘા માર્યા હતા. તેણે નાસી જતા પહેલા ટેક્સી ભાડે કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ કહેવાય છે. પોલીસ ઓફિસરોએ કોઈએ આ વ્યક્તિને જોયો હોય તો તત્કાળ સંપર્ક કરવા જણાવ્યું હતું. ફોરેન્સિક ઓફિસરોએ શહેરમાં હુમલાના ચાર ઘટનાસ્થળોની મુલાકાત લઈ તપાસ આદરી હતી.
સંખ્યાબંધ પોલીસ અધિકારી તપાસમાં સામેલ
ચીફ સુપ્રિટેન્ડન્ટ સ્ટીવ ગ્રેહામે જણાવ્યું હતું કે આવી ઘટનાઓની બર્મિંગહામ સિટી પરની અસરોને અમે નજરઅંદાજ કરતા નથી. અમે તેને મોટી ઘટના જાહેર કરી છે અને શહેરમાં પેટ્રોલિંગ અને તપાસ માટે સંખ્યાબંધ પોલીસ અધિકારીઓને કામે લગાવ્યા છે. સીસીટીવી ફૂટેજ જાહેર કરી સાક્ષીઓ સાથે વાતો પણ કરી છે. આ તબક્કે અમે હુમલાને ‘રેન્ડમ’ માનીએ છે અને હુમલાનો કોઈ હેતુ સ્પષ્ટ થયો નથી. જોકે, સૂત્રોએ મેઈલઓનલાઈનને જણાવ્યા અનુસાર આ હુમલો LGBT કોમ્યુનિટીને લક્ષમાં રાખી કરાયો હતો. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે પણ જણાવ્યું હતું કે ગે વિલેજ અને સ્નો હિલ એરિયામાં અન્ય ઘણા સ્ટેબિંગ્સ થયેલાં છે.
મિત્રોને મળવા આવેલા જેકોબને મોત ભેટી ગયું
બર્મિંગહામ સ્ટેબિંગ્સમાં ૨૩ વર્ષીય મૃતકનું નામ જેકોબ બિલિંગ્ટન હોવાનું જાહેર કરાયું છે. તેઓ શનિવારની મોડી રાત્રે લિવરપૂલની શાળાના જૂના મિત્રો સાથે બહાર નીકળ્યા હતા ત્યારે ઈર્વિંગ સ્ટ્રીટ પર તેમના પર છરાથી જીવલેણ હુમલો કરાયો હતો. જેકોબ બર્મિંગહામમાં અભ્યાસ કરતા ૨૩ વર્ષીય મિત્ર માઈકલ કાલાહનને મળવા લિવરપૂલથી આવ્યા હતા. માઈકલ પર પણ હુમલો થયો હતો અને હોસ્પિટલમાં તેની હાલત ગંભીર છે. જેકોબ અને માઈકલ લિવરપૂલની ગ્રેટ ક્રોસ્બી પ્રાઈમરી સ્કૂલ અને સેક્રેડ હાર્ટ કેથોલિક કોલેજના અભ્યાસકાળથી મિત્રો હતા. માઈકલના પરિવારે જકોબને લોકપ્રિય, આનંદી અને લોકોની સંભાળ લેનારા વ્યક્તિ તરીકે ગણાવ્યો હતો.