લંડનઃ યુકેના મૂળ ભારતીય બલજિત બૈન્સ વિમેન ડિઝાઈન્ડ ફોર સક્સેસ (WODESS) આયોજિત ગોલ્ડન વિમેન્સ એવોર્ડ ૨૦૧૫-એન્ટરટેઈનમેન્ટ, મીડિયા એન્ડ કોમ્યુનિકેશન વર્ગના વિજેતા બન્યા છે. સમગ્ર વિશ્વમાંથી વિવિધ કેટેગરીમાં મહિલાઓ હેલસિન્કીમાં કેઈસા કલ્ચરલ સેન્ટરમાં ૧૬ ઓક્ટોબરે યોજાએલી સ્પર્ધામાં હતી. વણઝારા રેકોર્ડ્સની મેનેજિંગ ડિરેક્ટર બલજિત બૈન્સ પુરુષોના પ્રભુત્વ હેઠળની ઈન્ડસ્ટ્રીમાં રેકોર્ડ કંપનીનું સંચાલન કરનાર પ્રથમ એશિયન મહિલા છે.
બલજિત બૈન્સે યુકે એશિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં લિંગભેદનો અવરોધ પાર કરી ૨૦૧૪માં આગવું રેકોર્ડ લેબલ વણઝારા રેકોર્ડ્સને પ્રસ્થાપિત કર્યું હતું. આ રેકોર્ડ લેબલ બિઝનેસમાં સ્ત્રીશક્તિની હિમાયત કરવા સાથે પ્રતિભાવંત આર્ટિસ્ટને સામાજિક અથવા આર્થિક પશ્ચાદભૂને કારણે સફળતાથી વંચિત રહેવું ના પડે તેવી સ્થિતિ સર્જવાનું લક્ષ્ય ધરાવે છે.
બલજિતે તેમના પતિ લલિતને પણ આગળ વધારવા ભારે જહેમત ઉઠાવી છે. લલિતના લખેલા, સ્વરબદ્ધ અને પરફોર્મ કરેલા ગીતો અને વિડીઓઝ લોન્ચ કર્યા છે, જેમાં આ વર્ષે લોન્ચ કરાયેલા ‘રાંઝણા’ અને ‘ફેરે’ સહિતનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી લોકોએ હાજરી આપી હતી અને લાલી વણજારાએ સ્ટેજ પરફોર્મન્સ પણ કર્યું હતું. www.goldenwomenawards.com પરથી એવોર્ડ કાર્યક્રમની વિગતો અને જજીસ વિશેની માહિતી મેળવી શકાશે.