લંડનઃ વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટના જજ જ્હોન વોર્નરે ૫૦ વર્ષીય બલજિત ‘બિલ’ સિંહની હત્યા બદલ હોરર ફિલ્મના ચાહક સ્ટુઅર્ટ મિલરશિપને આજીવન કેદની સજા ફરમાવી છે અને તેને ઓછામાં ઓછાં ૨૫ વર્ષ તો જેલમાં ગાળવા પડશે. બલજિત સિંહની હત્યા તેમના પુત્ર રોમાનના નવમા જન્મદિને જ થઈ હતી. તેમના ભાઈ ગુરપ્રીત દોસાંઝે કહ્યું હતું કે સુનાવણીમાં બલજિતની પ્રતિષ્ઠા ખરડાઈ તેનો આઘાત છે. મિલરશિપે આક્ષેપો કર્યા હતા કે બલજિત સિંહના સંબંધો ગેંગસ્ટર્સ, ડ્રગ્સ ડીલર્સ સાથે હતા.
ગયા વર્ષે ૨૩ ડિસેમ્બરની ઘટનામાં બલજિત સિંહે કહેવાતા દેવાંની પતાવટ તરીકે £૧૫,૦૦૦ની રેન્જ રોવર આપવાનું નકારતા ૩૩ વર્ષીય મિલરશિપે આવેશમાં આવી હુમલો કર્યો હતો. લોખંડના નાના સળિયા જેવાં સાધનથી માથા પર આશરે ૨૦ ફટકા માર્યા હતા. આ પછી તેના ગળામાં ચાકુના ઘા માર્યા હતા. સેલરમાં ફેંકાયેલા બલજિતનો દેહ પહેલી જાન્યુઆરીએ મળી આવ્યો હતો.