લંડનઃ હાલ પાકિસ્તાનનો ભાગ એવા બલૂચિસ્તાન પ્રાંતના પૂર્વ શાસકોના વંશજ અને યુકેમાં દેશવટો ભોગવી રહેલા આમીર એહમદ સુલેમાન દાઉદે જાહેર કર્યું હતું કે તેઓ બલૂચિસ્તાનની આઝાદી માટે ભારતનો સંપર્ક કરશે. બ્રિટિશ હાઉસીસ ઓફ પાર્લામેન્ટ ખાતે ડેમોક્રસી ફોરમ દ્વારા આયોજિત ‘બલૂચિસ્તાન રિ-વિઝીટેડ’ સેમિનારને સંબોધતા દાઉદે જણાવ્યું હતું, ‘ હું ભારત (બલૂચિસ્તાનની આઝાદીની બાબતે) જઈશ. ગત ૧૫ ઓગસ્ટે બલૂચિસ્તાનની આઝાદીને સમર્થન આપતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરીને તેમણે ઉમેર્યું હતું,‘ મેં મોદીના નિવેદનને આવકાર્યું હતું.’
ભરચક ગૃહને સંબોધન દરમિયાન શ્રોતાઓમાં બેઠેલા પાકિસ્તાન તરફી તત્વો સાથે ઉગ્ર બોલાચાલી વચ્ચે તેમણે મક્કમપણે જણાવ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાન, ઈરાન અને અન્ય દેશોની મુલાકાતે જશે. તેમણે ખુલાસો કર્યો હતો કે પોતાનું લક્ષ્ય હાંસલ કરવા તેઓ અમેરિકાની કોંગ્રેસના સક્રિય સંપર્કમાં છે. તેમણે ઉમેર્યું હતું કે ભૌગોલિક રાજકારણને લીધે તેમણે સ્વતંત્રતા ગુમાવી હતી. બ્રિટન સોવિયેત યુનિયનને પાણી મળે તેમ ઈચ્છતું ન હતું. તેને લીધે બ્રિટન કલાત સ્ટેટ અને યુકે વચ્ચે થયેલી સમજૂતીથી ફરી ગયું હતું.
સદીઓ પૂરાણા કલાત સંઘમાં કલાતના ખાન તેના વડા હતા. બ્રિટને કલાતના વિવિધ વિસ્તારો ભાડાપટ્ટે રાખ્યા હતા. ભારતના તત્કાલીન વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન, કલાતના ખાન અને અલગ પડેલા પાકિસ્તાનના મોહમ્મદ અલી ઝીણાએ ૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દિલ્હીમાં એક સમજૂતી પર હસ્તાક્ષરો કરીને વાટાઘાટોના હેતુ સર કલાતની આઝાદીને માન્યતા આપી હતી. દબાણ હેઠળ કલાત પાકિસ્તાનમાં ભળી ગયું તે અગાઉ ૨૮ માર્ચ, ૧૯૪૮ સુધી આઝાદ રહ્યું હતું.
દાઉદે ઝીણા પર વિશ્વાસઘાતનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘ઝીણા ૧૯૩૩થી ૧૯૪૭ સુધી કલાતના લોયર હતા. ઝીણાએ (બ્રિટિશ) પ્રીવી કાઉન્સિલમાં અમારા વતી દલીલો કરી હતી. બ્રિટને અમારા વિરુદ્ધ થવા ઝીણા પર દબાણ કર્યું હતું. તેમની પાસે અંદરની માહિતી હોવાથી અમને મુશ્કેલી પડી.’