લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતીય મૂળના દીર્ઘકાલીન સેવારત સાંસદ કિથ વાઝ દ્વારા ૧૮ નવેમ્બરે અર્લી ડે મોશન પસાર કરાવાઈ હતી. આ ઠરાવમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બસવેશ્વરાની પ્રતિમાના અનાવરણને આવકાર અપાયો હતો. છેક ૧૨મી સદીમાં લોકશાહીના આદર્શો અને લૈંગિક સમાનતાને ઉત્તેજન આપવા બદલ બસવેશ્વરાને વિશેષ અંજલિ આપવામાં આવી હતી.
લંડનના લેમ્બેથ બરોમાં થેમ્સ નદીના કિનારે ૧૪ નવેમ્બરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકશાહીના આદર્શનો પાયો નાખનારા ૧૨મી સદીના ભારતીય તત્વચિંતક બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદીએ લોકશાહીના આદર્શો અને સામાજિક સુધારાઓને ઉત્તેજન આપનારા ભારતીય ફિલોસોફરને આદરાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે બસવેશ્વરાએ મેગ્ના કાર્ટા પર હસ્તાક્ષર કરાયા તેના ઘણા સમય પહેલા નાગરિક સ્વાતંત્ર્યના મૂલ્યો અને અબ્રાહમ લિંકનના ૭૦૦ વર્ષ અગાઉ લોકશાહીના આદર્શની હિમાયત કરી હતી. આ પ્રસંગે બ્રિટિશ પાર્લામેન્ટના સ્પીકર જ્હોન બેર્કો, લેસ્ટરના સાંસદ કિથ વાઝ, વાલ્થામ ફોરેસ્ટના સાંસદ પ્રીતિ પટેલ, નોર્થ ક્રોયડનના સાંસદ સ્ટીવ રીડ અને લોર્ડ જેફ્રી આર્ચર સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.
લેમ્બેથ કાઉન્સિલના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે ૧૩ માર્ચ, ૨૦૧૨ના રોજ પ્રતિમા માટેની અરજીને બહાલી આપી હતી. યુનાઈટેડ કિંગ્ડમમા સ્ટેચ્યુઝ એક્ટ ઓફ ૧૮૫૪ અન્વયે બ્રિટિશ કેબિનેટ મિનિસ્ટર ફોર કલ્ચર, જોન પેનરોઝે થેમ્સ નદીના કિનારે બસવેશ્વરાની પ્રતિમા સ્થાપવાની અરજીને ત્રણ જુલાઈ, ૨૦૧૨ના દિવસે મંજૂરી આપી હતી.