લંડનઃ ડેવોનના પ્લીમથમાં લેન્હીડ્રોક સ્ટોર્સમાં ઘૂસેલા ૪૧ વર્ષીય સશસ્ત્ર લૂંટારા એડવર્ડ સ્ટીવન્સનને નાણાની લૂંટ મળવાના બદલે દુકાનદાર મહિલાની અકલ્પ્ય હિંમતનો પરચો મળ્યો હતો. લૂંટના આશયે આવેલા સ્ટીવન્સને મહિલા સામે ચાકુ ધરી દીધું હતું, પરંતુ ગલ્લાની રોકડ આપવાના બદલે દુકાનદારે તેને હાથથી પકડી સ્ટોરની અંદર ચકરડીઓ ફેરવી હતી અને આખરે દુકાનની બહાર શેરીમાં ફંગોળી દીધો હતો. પ્લીમથ ક્રાઉન કોર્ટના રેકોર્ડર જ્હોન વિલિયમ્સે લૂંટારાને કુલ સાડા પાંચ વર્ષ જેલની સજા ફરમાવી હતી.
કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે સ્ટીવન્સન ૩૦ માર્ચની સાંજે દુકાનમાં દાખલ થયો હતો અને તેની પાસે ચાકુ જોતાં જ મહિલા દુકાનદારને આઘાત અને ડર લાગ્યો હતો. આશરે ૫૦ વર્ષની વય ધરાવતી મહિલાએ જણાવ્યું હતું કે, ‘અચાનક મને કશું થયું હતું અને મેં વિચાર્યું કે મારાં પરિવારથી દૂર રહી મેળવેલી પરસેવાની કમાણી તું કેવી રીતે ચોરી શકે? મારાં ગલ્લામાં રહેલી રકમ રકમ હું તને લેવાં નહિ દઉં. મારામાં શક્તિ ક્યાંથી આવી તેની ખબર નથી, પરંતુ મેં તેના હાથ પકડી લીધાં અને મારી દુકાનમાંથી બહાર ફંગોળી દીધો. તે મારાં કે મારાં પરિવાર પાસેથી કશું લઈ શકે નહિ. તે ગભરાઈને મારી હત્યા કરી શક્યો હોત. મારા સંતાનો માવિહોણા થયાં હોત અને પતિએ પત્ની ગુમાવી હોત.’
સપ્તાહમાં સાત દિવસ કામ કરતી મહિલાએ હિંમતથી લૂંટારાનો સામનો કર્યો તેની નાટ્યાત્મક પળો સ્ટોરના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી, જે કોર્ટ સમક્ષ દર્શાવાઈ હતી. લૂંટારાએ આ પછી એક માઈલ દૂર વાઈન સ્ટોર્સમાં પણ લૂંટ ચલાવી હતી.