લંડનઃ બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA) દ્વારા ૧૫,૦૦૦થી વધુ ડોક્ટર્સના અભ્યાસ અનુસાર ૯૪ ટકા બ્રિટિશ ફેમિલી ડોક્ટર્સ (જીપી) સપ્તાહના સાતેય દિવસ તેમના ક્લિનિક્સ પેશન્ટ્સ માટે ખુલ્લાં રાખવાનો વિરોધ કરે છે. જોકે, અડધોઅડધ ડોક્ટર્સે સમય લંબાવવાની તરફેણ કરી હતી.
વડા પ્રધાન ડેવિડ કેમરને કહ્યું છે કે તેમની ટોરી પાર્ટી સત્તા પર આવશે તો ૨૦૨૦ સુધીમાં પેશન્ટ સપ્તાહના સાતેય દિવસ જીપીની સુવિધા મેળવતાં થશે. જોકે, BMAનો અભ્યાસ જણાવે છે કે ૯૪ ટકા જીપી આ માટે તૈયાર નથી. અભ્યાસ હેઠળના ૫૧ ટકા ફેમિલી ડોક્ટર્સે જણાવ્યું હતું કે દવાખાના કે સર્જરીઝ દ્વારા પેશન્ટ્સને કોઈ પ્રકારે વધુ કલાકની સેવા આપી શકાય. બીજી તરફ, ૫૬ ટકાએ એમ જણાવ્યું હતું કે લાંબા કલાકો સુધી સેવાના કાર્યબોજના કારણે તેમણે આપવાની સંભાળ પર નુકસાનકારી અસર થાય છે.
આમ છતા, પેશન્ટ્સને વધુ સુવિધાના વિકલ્પો શોધવા તેઓ તૈયાર છે. પાંચમાં એક (૨૧ ટકા) ડોક્ટર્સે જણાવ્યું હતું કે અન્ય જીપી સાથે સહયોગમાં નેટવર્ક દ્વારા વધુ સમય ફાળવી શકાશે. દસમાંથી માત્ર એક જીપીએ જ ૧૦ મિનિટના કન્સલ્ટેશન સમયને પૂરતો ગણાવ્યો હતો. ૬૭ ટકા ડોક્ટર્સે ચોક્કસ ગ્રૂપના દર્દીઓને વધુ સમય ફાળવવા અને ૨૫ ટકા ડોક્ટર્સે તમામ પેશન્ટ્સને વધુ સમય આપવો જરૂરી ગણાવ્યો હતો.