લંડનઃ પેન્શનની નવી જટિલ ગણતરીના કારણે આગામી વર્ષે નિવૃત્તિવયે પહોંચનારા ત્રણમાંથી બે લોકોને સંપૂર્ણ ‘ફ્લેટ-રેટ’ સરકારી પેન્શન કરતાં પણ ઓછી રકમ મળશે તેમ મિનિસ્ટર્સ દ્વારા સ્વીકારાયું છે. પોતાની પચાસીના ઉત્તરાર્ધ અને સાઠીના પૂર્વાર્ધમાં રહેલાં લોકોને સરકારી પેન્શનના નવા મહત્ત્વપૂર્ણ સુધારા હેઠળ પેન્શનરોને મળતાં પ્રતિ સપ્તાહ £૧૧૬ના બેઝિક પેમેન્ટના સ્થાને આશરે £૧૪૮ મળવાની ધારણા હતી. આગામી વર્ષે સરકારી પેન્શનને પાત્ર વયે પહોંચનારા બહુમતી લોકોને નવા ફ્લેટ-દરનું પેન્શન મળશે તેવી ખાતરી વારંવાર ઉચ્ચારી હતી.
હાઉસ ઓફ લોર્ડ્સમાં લેખિત નિવેદનમાં પેન્શન્સ મિનિસ્ટર બેરોનેસ રોસ અલ્ટમાને જણાવ્યું હતું કે સુધારાના અમલના પ્રથમ વર્ષમાં માત્ર ૩૭ ટકાના લોકોને જ સરકાર તરફથી સીધું સંપૂર્ણ નવું સરકારી પેન્શન મળશે. બાકીની રકમ પ્રાઈવેટ પેન્શનમાંથી આવશે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સના દસ્તાવેજ અનુસાર ઘણા લોકોએ તેમની કારકીર્દિ દરમિયાન નેશનલ ઈન્સ્યુરન્સનો ઓછો ફાળો ચુકવેલો છે. નવી યોજના હેઠળ આ ચુકવણી ગણતરીમાં લેવાશે. નિવૃત્તિવયે પહોંચતા હજારો લોકોને પત્ર પાઠવી કપાત વિશે સમજણ અપાશે.
નેશનલ ઈન્સ્યુરન્સના રિબેટની રકમ ઘણી વખત ખાનગી બચતભંડોળમાં જમા કરાતી હોય છે. £૧૪૮ ફ્લેટ-દરના પેન્શનમાંથી આ રકમ કાપી લેવાશે. મિનિસ્ટરે કહ્યું હતું કે ૩૦ ટકા લોકોને ૨૦૨૦ સુધીમાં સંપૂર્ણ ફ્લેટ-રેટ રકમ મળતી થશે, જે સંખ્યા ૨૦૩૫ સુધીમાં ૮૪ ટકા થશે.