સમગ્ર યુકેમાં બાળકો પાછળનો ખર્ચ પ્રેશર પોઈન્ટ બની ગયો છે. બાળઉછેર ખર્ચનો ત્રીજો હિસ્સો એટલે કે આશરે સરેરાશ £૪૨,૦૦૦, બાળક પ્રાઈમરી સ્કૂલમાં જતું થાય તે પહેલા વપરાય છે. નોર્થ-ઈસ્ટના પેરન્ટ્સ તેમની પારિવારિક આવકનો ત્રીજો હિસ્સો ત્રણ વર્ષથી નાના બાળક માટે નર્સરી પાછળ વાપરે છે. આ પછી વેલ્સનો ક્રમ છે. લંડનમાં ઉંચા વેતન છતાં તેઓ વેતનનો ચોથો હિસ્સો ખર્ચે છે. બાળઉછેરમાં શિક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ થાય છે. જો તેને સરકારી શાળા અને યુનિવર્સિટીમાં શિક્ષણ અપાય તો થતાં £૭૪,૩૦૦ના ખર્ચમાં સ્કૂલ યુનિફોર્મ, બૂક્સ, પરિવહન અને યુનિવર્સિટી ટ્યુશન ફીનો સમાવેશ થાય છે. ૨૦૦૩ પછી આ ખર્ચ બમણો થઈ ગયો છે.