લંડનઃ નોટિંગહામશાયરની ટૂટ હિલ સ્કૂલના હેડ ટીચર એશ રહેમાને બાળકોને સારા નાગરિક બનાવવા અને જીવનનું ગણતર શીખવવા માતાપિતાને સારી શીખામણ કે સલાહ આપી છે. તેઓ કહે છે કે કિશોરાવસ્થાનો બાળકો શાળામાં માત્ર અભ્યાસ જ કરે છે. તેઓ શાળા છોડીને જાય ત્યારે જીવન કેવી રીતે જીવવું તેનું જ્ઞાન હોતું નથી. ભણતર હોય છે, પરંતુ ગણતર હોતું નથી. બાળકોને ઉનાળાની રજાઓમાં ઘરના બજેટ અને કામકાજ વિશે પૂરતી સમજ આપવી જોઈએ. રજાઓ દરમિયાન ઘરખર્ચ ચલાવવાનું કાર્ય તેમને સોંપી દેવું જોઈએ, જેથી ભવિષ્યમાં જવાબદારી ઉઠાવવાની આવે ત્યારે આ જ્ઞાન કામમાં આવે તેવી સલાહ રહેમાને આપી છે.
સામાન્ય રીતે બાળકો ઉનાળાની રજાઓમાં ખાઈ-પીને આનંદ કરવામાં જ સમય વીતાવે છે. તેમનો આ સમય ઉત્પાદક ગણાતો નથી. તેમને જીવન કેવી રીતે જીવાય અથવા તો વેકેશનમાં હરવા-ફરવાના નાણા ક્યાંથી આવે છે અને તેનો ખર્ચ કેવી રીતે તેમજ ક્યાં કરવો જોઈએ તેની ગતાગમ હોતી નથી.
ઘર ચલાવવામાં પેરન્ટ્સને શું ધ્યાન રાખવું પડે છે તેનું વ્યવહારુ જ્ઞાન આપવા બાળકોને ઘરનું બજેટ સંભાળવા આપવું જોઈએ. બોલીવુડની ૧૯૭૦ની બલરાજ સાહની અને નિરુપા રોય અભિનીત જાણીતી ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’માં વારંવાર અને મોંઘી વસ્તુઓની માગણી કરતા બાળકોના હાથમાં જ ઘર ચલાવવાનું સોંપી દીધા પછી તેમનો જીવન પ્રત્યેનો અભિગમ કેટલો બદલાઈ જાય છે અને તેઓ જવાબદાર બની જાય છે તેવો જ સંદેશ અપાયો હતો.