લંડનઃ બાળકોની સંભાળ માટે પિતાની કામગીરીમાં વધારો થઈ રહ્યો છે. આશરે ૧૦ લાખ બ્રિટિશ પિતા બાળકો સાથે વધુ સમય વીતાવવા પાર્ટ-ટાઈમ નોકરીઓ કરી રહ્યા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા અનુસાર પોતાના કામકાજના સમયમાં ઘટાડો કરી પુરુષોમાં બાળસંભાળની જવાબદારીઓમાં માતાને સાથ આપવાનું વલણ વધ્યું છે.
૩૫ વર્ષથી ઓછી વયના બે તૃતીઆંશથી વધુ પિતા સંતાનોને નિયમિત શાળાએ લેવા અને - મૂકવાનું કાર્ય કરતા હોવાનાં એક સર્વેના તારણો પછી ONS દ્વારા પાર્ટ-ટાઈમ નોકરિયાતોનો નવો સર્વે કરાયો હતો. ગત બે દાયકાના સર્વે મુજબ ૧૯૯૫માં ઓછાં કલાકો નોકરી કરનાર પિતાની સંખ્યા ૩૬૭,૦૦૦ હતી, જે વધીને આજે ૯૯૨,૦૦૦ થઈ છે. બીજી તરફ, કામકાજ કરતી સ્ત્રીઓ બાળકોની સંભાળ પાછળના કલાકો ઘટાડે તેવી શક્યતા વધી છે. ૪.૬ મિલિયન સ્ત્રીઓ કહે છે કે તેઓ પસંદગીના કારણે જ પાર્ટ-ટાઈમ કામ કરે છે.
નવા સર્વેથી એ પણ સ્પષ્ટ થાય છે કે યુવાન પુરુષો દ્વારા તેમની પાર્ટનર્સ અથવા પત્નીઓ સાથે મળી બાળસંભાળમાં હિસ્સો આપવાની શક્યતા વધી છે. એપ્રિલ મહિનાથી માતા અને પિતા બાળકના જન્મ પછી કુલ ૫૦ સપ્તાહની મેટર્નિટી લીવ લઈ શકશે. અત્યાર સુધી માતાને જ ૩૭ સપ્તાહની માતૃત્વની વેતન સાથેની રજા મળવાપાત્ર છે.