લંડનઃ બ્રિટિશ રાજધાનીના ૩૦૦ ફૂટ ઊંચાઈના લેન્ડમાર્ક બિગ બેન ટાવરનું દર્શન પણ હવે દુર્લભ બની ગયું છે. તેની ઘડિયાળની આસપાસ રિપેરિંગ માટે માળખાં-સ્કાફોલ્ડિંગ લગાવી દેવાતાં ટાવર ઢંકાઈ ગયા છે. બિગ બેનનો ઘંટારવ ચાર વર્ષ સાંભળવા મળશે નહિ. માત્ર નવા વર્ષ અને રીમેમ્બરન્સ ડેએ ઘંટનાદ સાંભળી શકાશે. લંડનની વિશિષ્ટ ઓળખ બનેલા ટાવર ઘડિયાળના સમારકામનો ખર્ચ બમણાથી પણ વધુ થઈ ૬૧ મિલિયન પાઉન્ડે પહોંચવાનો અંદાજ છે. ટાવરનું સમારકામ ધાર્યા કરતા વધુ મુશ્કેલ જણાય છે.
એલિઝાબેથ ટાવરની ઘડિયાળ બિગ બેનનો ગત ઓગસ્ટથી બંધ થયેલો ઘંટનાદ ચાર વર્ષ સાંભળવા નહિ મળે તે ઉપરાંત, તે પાછળનો ખર્ચ અગાઉ અંદાજિત ૨૯ મિલિયન પાઉન્ડ મૂકાયો હતો તે વધીને ૬૧ મિલિયન પાઉન્ડે પહોંચતા ભારે વિવાદ સર્જાયો છે. આ પ્રોજેક્ટમાં ૧૬ મહિનાના સઘન અભ્યાસ પછી ખર્ચનો નવો અંદાજ મૂકાયો છે. આના પરિણામે પાર્લામેન્ટના બાકીના હિસ્સાના નવીનીકરણના ખર્ચનો આંકડો કેટલો ઊંચે જશે તે વિશે શંકાઓ ઉઠાવાઈ રહી છે. ઊંચા બજેટને મંજૂરી તો આપી દેવાઈ છે પરંતુ, તેની સમીક્ષા કરવાની માગણીએ પણ જોર પકડ્યું છે. હાઉસ ઓફ કોમન્સ કમિશને પણ ખર્ચના નવા અંદાજ વિશે નિરાશા વ્યક્ત કરી છે.
સમારકામ માટેના મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે સર રોબર્ટ મેક્આલ્પાઈન સ્પેશિયલ પ્રોજેક્ટ્સ ડિવિઝન લિમિટેડની નિયુક્તિ કરવામાં આવી છે. ટાવરની નીચે આસપાસના વિસ્તારની હાલત ધાર્યા કરતા વધુ ખરાબ છે. ઘડિયાળનું રિગ્લેઝિંગ એટલે કે ચકચકિત કરવાનું કાર્ય પણ વધુ મુશ્કેલ જણાય છે.