લંડનઃ બ્રિટનના સૌથી ભવ્ય મહાલયોમાં સ્થાન ધરાવતાં મેન્શન અપડાઉન કોર્ટનું પુનઃનિર્માણ કરાવનારા બિઝનેસ ટાયકૂન બલજિતસિંહ ભંડાલ HMRC પાસેથી તેમની મિલકત પાછી મેળવવાનો કેસ હાઈ કોર્ટમાં હારી ગયા હતા. હાઈ કોર્ટના જજોએ ૧૧ માર્ચે ઠરાવ્યું હતું કે ભંડાલ ફ્રોડ અને મનીલોન્ડરિંગ ગુનાઓના દોષિત છે. રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગે તેમના બિઝનેસમાં તપાસના ભાગરૂપે અપડાઉન કોર્ટ મિલકતનો કબજો લઈ લીધો હતો.
બિઝનેસમેન ભંડાલ વિશ્વના સૌથી ખર્ચાળ અને ભવ્ય ઈમારત અપડાઉન કોર્ટના એક સમયના માલિક હતા. તેમણે વિન્ડલશામ, સરેસ્થિત આ ૧૦૦ ખંડની ભવ્ય મિલકત ૧૯૯૦ના દાયકામાં ખરીદી હતી. ૧૯૮૭ના ગ્રેટ સ્ટોર્મમાં આ ઈમારત ખાક થઈ હતી. આ પછી ભંડાલે મનીલોન્ડરિંગ અને આલ્કોહોલના વેચાણમાં ટેક્સની ગેરરીતિ દ્વારા મેળવેલી કમાણીથી આ મેન્શનનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. તેના ઈન્ટિરિઅર્સમાં ભારે ખર્ચ કર્યો હતો. અપડાઉન કોર્ટ ૫૮ એકર જમીનમાં પેલાયેલી છે. તેમાં ૨૪ બેડરુમ અને ૫૦ બેઠકનું સિનેમાગૃહ, છ સ્વિમિંગ પૂલ્સ અને માર્બલ ડ્રાઈવવે પણ છે.
ભંડાલ સામે બોન્ડેડ વેરહાઉસમાંથી ડ્યુટી ફ્રી આલ્કોહોલના સ્મગલિંગ અને કાળાબજારમાં તેના વેચાણના આરોપો લગાવાયાં હતાં. જોકે, વેરહાઉસનો મેનેજર પોલીસનો ખબરી હોવાનું જાહેર થતાં છેતરપિંડીના આરોપોની કાર્યવાહી આખરે ભાંગી પડી હતી. ટ્રાયલ દરમિયાન જ ભંડાલ જામીનની શરતોનો ભંગ કરી બનાવટી પાસપોર્ટના આધારે દેશમાંથી નાસી છૂટ્યો હતો. તે ૨૦૦૫માં યુકે પાછો ફર્યો ત્યારે અપહરણના પ્રયાસમાં તેને આઠ વર્ષ જેલની સજા થઈ હતી.
ભંડાલે HMRC સામે કાનૂની દાવો માંડી કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો તપાસકારોએ ફ્રોડના ખોટા આરોપોમાં તેની ધરપકડ કરી કાર્યવાહી કરી ન હોત અને તેમની મિલકત જપ્ત કરી લીધી ન હોત તો તેમણે અપડાઉન કોર્ટમાંથી £૬૬ મિલિયનની કમાણી કરી હોત. સરકારી પ્રોસિક્યુટરોએ વળતી દલીલ કરી હતી કે અપડાઉન કોર્ટ મેન્શનનું પુનઃ નિર્માણ અપરાધના નાણામાંથી કરાયું હોવાના કારણે તેની જપ્તી કાનૂની જ છે. જોકે, આજે હાઈ કોર્ટના જસ્ટિસ કોલિન્સે ચુકાદો આપ્યો હતો કે ભંડાલની સામે મૂકાયેલા આરોપોમાં તે ખરેખર દોષિત હોવાની બાબત શંકાથી પર હોવાથી તેને વળતરનો અધિકાર મળી શકે નહિ.