લંડનઃ ભારતની બે ચેરિટી ઉર્જા ટ્રસ્ટ અને AAWC (Apne Aap Women's Collective)ના લાભાર્થે આગામી સપ્તાહમાં ગુજરાતમાં ભુજથી અમદાવાદ સુધીની ૩૫૦ કિ.મી.ની સાઈકલયાત્રાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ભારત,ઓસ્ટ્રેલિયા, કેન્યા અને ઈંગ્લેન્ડના ૪૭ પુરુષ અને પ મહિલા સહિત ૫૨ સાયક્લીસ્ટ ભાગ લેશે. આ સાયક્લીસ્ટ્સની ઉંમર ૨૪થી લઈને ૫૭ વર્ષની છે, જેમાંથી ૧૯ સ્પર્ધક ૪૦થી વધુની વયના છે. ઘણાં પુરુષ અને મહિલાને સાઈકલ ચલાવતાં પણ આવડતું નથી.
ત્રણ મિત્રો સંજય કેરાઈ, પ્રકાશ પટેલ અને શૈલેષ પટેલને આ સાઈકલયાત્રા યોજવાનો વિચાર આવ્યો હતો. તેમણે અગાઉ સહરાના રણમાં સાઈકલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે પછી સંજયે હેવન હાઉસ હોસ્પિસ વિશે જાગૃતિ કેળવવા માટે ૩૦ માઈલની સાઈકલ યાત્રાનું આયોજન કર્યું હતું.
તેમણે ઓક્ટોબર,૨૦૧૬માં ફંડ રેઈઝિંગ પેજ અને તેના ઉદ્દેશોની સત્તાવાર જાહેરાત કરી હતી. તેનાથી ડોનેશનનો પ્રવાહ શરૂ થયો હતો અને ખૂબ ટૂંકા ગાળામાં £૨૦,૦૦૦ એકત્ર થઈ ગયા હતા. આ ટીમે કેટલાંક મહિનાથી તૈયારી કરી રહી છે અને તેના ભાગરૂપે નાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. તાજેતરમાં આ સાયક્લીસ્ટ્સે ફંડ રેઈઝિંગ ડિનર અને ડાન્સનું આયોજન કર્યુ હતું. તેમાં મળેલા ડોનેશન્સ દ્વારા તેમનો £ ૧૦૦,૦૦૦નો લક્ષ્યાંક પૂરો થયો હતો. હજુ પણ ડોનેશન્સ આવકાર્ય છે.
આપ પણ www.mydonate.bt.com/events/mandir2mandir વેબસાઈટની મુલાકાત લઈને ડોનેશન આપી શકો છો. આ નાણાં ભારતની બે ચેરિટી ઉર્જા ટ્રસ્ટ અને AAWC (Apne Aap Women's Collective) ને આપવામાં આવશે. બન્ને સંસ્થા ત્યક્તા, કિશોરી, બળજબરીપૂર્વક દેહવ્યવસાયમાં સંકળાયેલી યુવતીઓ અને મહિલાઓના કલ્યાણ માટે કાર્ય કરે છે. આ સંસ્થાઓ માનવતસ્કરીના દૂષણ સામે પણ લડે છે અને યુવતીઓ, મહિલાઓ તથા તેમના બાળકોને ગૌરવ અને સ્વમાનભેર બહેતર જીવન જીવવાની તક આપવા સખત પરિશ્રમ કરે છે. આ સંસ્થાઓની કામગીરીને ધ્યાને લઈને તેમની પસંદગી કરાઈ છે અને પ્રકાશ પટેલ તથા તેમના પત્નીએ ભારત જઈને બન્ને સંસ્થાની મુલાકાત લીધી છે.