લંડનઃ છેતરપીંડી આચરી હાઉસિંગ બેનિફિટ તરીકે ૨૩,૨૦૪ પાઉન્ડનો ક્લેઈમ કરનારા ૭૩ વર્ષના પેન્શનર તારુસિંહ પૂરેવાલને હેરો ક્રાઉન કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી હતી, જે ૧૮ મહિના માટે મુલતવી રખાઈ હતી. તેમણે આ ઉપરાંત, કોર્ટ ખર્ચના £૨૦૦ અને સરચાર્જના £૮૦ ચુકવવા પડશે.
સાઉથોલના તારુસિંહે ઈલિંગ કાઉન્સિલ પાસેથી છ વર્ષથી વધુ સમયગાળામાં તેનો હક ન હોય તેવા હાઉસિંગ બેનિફિટ્સનો ક્લેઈમ કર્યો હતો. પૂરેવાલ મકાનમાલિક હતો ત્યારે તેના વૃદ્ધ ભાડૂતે ૧૯૯૫માં હાઉસિંગ બેનિફિટ્સનો ક્લેઈમ કર્યો હતો અને સંબંધિત ભાડાની રકમ પૂરેવાલના ખાતામાં જમા થતી હતી. આ ભાડૂતને મે ૨૦૦૬માં કેર હોમમાં ખસેડાયા પછી પણ પૂરેવાલે સપ્ટેમ્બર ૨૦૧૨ સુધી ખોટી રીતે ભાડાની રકમ મેળવી હતી. ઈલિંગ કાઉન્સિલે ચુકવેલા બેનિફિટ્સની રકમ પરત મેળવવા કાર્યવાહી આરંભી છે.