લંડનઃ વેમ્બલીમાં બાર્કલેઝ બેન્કના કલાર્ક અમિત કંસારાએ ઠગોને ગ્રાહકોના ખાતામાંથી £૫૦૦,૦૦૦ની ઉચાપત કરવામાં મદદ કરી હોવાની રજૂઆત ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ થઈ હતી. કંસારાએ ખુદ નાણાકીય ટ્રાન્સફર કરી હતી અથવા તેના સાથીઓને ગ્રાહકોની ખાનગી માહિતી પૂરી પાડી હતી. તેણે હોદ્દાના દુરુપયોગના પાંચ આરોપ નકાર્યા છે.
આ કૌભાંડમાં પોતાની ભૂમિકા કબૂલતા કંસારાએ દાવો કર્યો હતો કે તેણે દબાણ હેઠળ આ કામ કર્યું હતું. કંસારાએ અધિકારીઓને જણાવ્યું હતું કે બે એશિયન ગ્રાહકો દ્વારા તેનો સંપર્ક કરાયો હતો. જેઓ તેને કારમાં લઈ ગયા હતા, જ્યાં ત્રણ બ્લેક વ્યક્તિએ તેને ગન દર્શાવી બનાવટી ટ્રાન્ઝેક્શન કરવા આદેશ કર્યો હતો. પોતાના પરિવારની સલામતીની ચિંતાના લીધે તેણે આમ કર્યું હોવાનો દાવો કંસારાએ કર્યો હતો.
બે ગ્રાહકોએ તેમના ખાતામાંથી ૩૦,૦૦૦ પાઉન્ડ અદૃશ્ય થઈ ગયાની ફરિયાદ કર્યા પછી કંસારાને પકડવામાં આવ્યો હતો. પ્રોસિક્યુટર રિચાર્ડ બેન્ડાલે કહ્યું હતું કે કંસારા દબાણ હેટળ કામ કરતો ન હતો, પરંતુ ફ્રોડમાં તે મહત્ત્વનો ભાગીદાર હતો. તેમણે કહ્યું હતું કે ઉચાપત કરાયેલા નાણાં બનાવટી ખાતા અથવા લાપતા લોકોના ખાતામાં ટ્રાન્સફર કરાતા હતા. આવા સાત વ્યવહારમાં નાણાકીય ટ્રાન્સફરમાં કંસારાનો યુનિક સ્ટાફ નંબર સંકળાયેલો હતો. અન્ય એક વ્યવહાર કંસારાની પત્નીના ખાતાના કોમ્પ્યુટર દ્વારા એક્સેસ થયો હતો.
કંસારાએ રાજીનામું આપી દીધાના મહિનાઓ પછી બેન્કને અન્ય ગ્રાહકોના ખાતામાંથી ઉચાપતની જાણકારી મળી હતી. બેન્કને ૪૮૨,૦૦૦ પાઉન્ડથી વધુનું નુકસાન થયું હતું. ટ્રાયલ હજુ ચાલી રહી છે.