લંડનઃ પૂર્વ લેબર મિનિસ્ટર બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડ (૬૦)ને નવા કોમનવેલ્થ સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. ૫૩ કોમનવેલ્થ દેશોના નેતાઓ દ્વારા પસંદ કરાયેલાં બ્રિટનના પ્રથમ અશ્વેત મહિલા ક્વીન્સ કાઉન્સેલ બેરોનેસ સ્કોટલેન્ડ આ હોદ્દા પર મહત્તમ આઠ વર્ષની મુદત પૂર્ણ કરનારા કમલેશ શર્મા પાસેથી ૨૦૧૬માં કાર્યભાર સંભાળશે. માલ્ટા ખાતે કોમનવેલ્થ સમિટમાં છઠ્ઠા કોમનવેલ્થ સેક્રેટરી અને આ પદે વરાયેલાં પ્રથમ મહિલા બેરોનેસ સ્કોટલેન્ડનો જન્મ ૧૯૫૫માં ડોમિનિકા ખાતે થયો હતો. તેઓ પરિવાર સાથે બ્રિટન વસવાટ કરવાં આવ્યાં હતાં. તેઓ ૧૯૭૬માં કાયદાના સ્નાતક બન્યાં પછી ૧૯૯૧માં ક્વીન્સ કાઉન્સેલ તરીકે નિયુક્તિ પામ્યાં હતાં. તેમને ૧૯૯૭માં આજીવન ઉમરાવપદ આપી બેરોનેસ સ્કોટલેન્ડ ઓફ એસ્થલનું બિરુદ અપાયું હતું. તેમણે એટર્ની જનરલ, મિનિસ્ટર ઓફ સ્ટેટ અને પાર્લામેન્ટરી સેક્રેટરી સહિતના હોદ્દાઓ પર કામગીરી સંભાળી હતી.કન્ઝર્વેટિવ પાર્ટીના વ્હીપ લોર્ડ ડોલર પોપટે નવા હોદ્દા માટે પસંદગી બદલ બેરોનેસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘પેટ્રિશિયા સ્કોટલેન્ડ વિશિષ્ટ પાર્લામેન્ટેરિયન છે અને માનવ અધિકારોના રક્ષણ અને કાયદાના શાસન જેવા કોમનવેલ્થના મહાન મૂલ્યોને ઉત્તેજન આપવાના કાર્યમાં તેમના કરતા વધુ સારી વ્યક્તિને હું કલ્પી શકતો નથી.’