લંડનઃ સંખ્યાબંધ લોકોને નાણાકીય રીતે બેહાલ કરી તેમની પાસેથી £૬૫૦,૦૦૦ની છેતરપીંડી આચનારા બનાવટી ફેઈથ હીલર મોહમ્મદ અશરફીને ચાર સપ્તાહની ટ્રાયલના અંતે જ્યુરીએ ૧૫ ફ્રોડ અને બ્લેકમેઈલના ગુનાસર દોષિત ઠરાવ્યા પછી લેસ્ટર ક્રાઉન કોર્ટે નવ વર્ષની જેલની સજા ફરમાવી છે. અશરફીએ સાઈબાબા પ્રેરિત શક્તિઓ હોવા ઉપરાંત, કાળો જાદુ જાણતો હોવાનું જણાવી લોકો પર ભૂરકી પાથરવા અનેક ચાલબાજી અપનાવી હતી.
અશરફીએ લોકો પાસેથી હજારો પાઉન્ડ મેળવવા તેઓ ટુંક સમયમાં મલ્ટિ-મિલિયન પાઉન્ડનો જેકપોટ જીતવાના હોવાના ખોટાં દાવાઓ કર્યા હતા. પ્રાર્થના માટે કસ્તુરી જેવી ચીજો ખરીદવા નાણા જરૂરી હોવાનું જણાવી અશરફીએ રકમો મેળવી હતી. તેણે એક દંપતીને બ્લેકમેઈલ કરી £૫૦,૦૦૦ પડાવ્યા હતા. તેણે લેસ્ટરમાં પ્રચાર કરવા ૧૦ મહિનામાં £૧૬,૦૦૦ ખર્ચ્યા હતા. અશરફીની બર્મિંગહામ, લંડન અને કેનેડાની પ્રવૃત્તિઓ તપાસ હેઠળ છે અને કેનેડિયન સત્તાવાળાએ તો તેના પ્રત્યાર્પણ માટે અરજી કરી હોવાનું ટ્રાયલ દરમિયાન બહાર આવ્યું હતું.
અશરફીને સજા થતી સાંભળવા ખાસ ટોરન્ટોથી આવેલા તેના શિકાર પરમજિત ભુલ્લરે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે,‘તેણે ૨૦૦૭માં મારી પાસેથી $૨૫૦,૦૦૦ પડાવ્યા હતા અને આશરે ૪૦ કેનેડિયન્સ તેનો શિકાર બન્યા હતા. તેને ખરેખર તો બમણી સજા થવી જોઈતી હતી.’ અશરફીનો શિકાર બનેલી લેસ્ટરની અન્ય વ્યક્તિએ જણાવ્યું હતું કે,‘ટ્રાયલની રાહ જોવાનું વર્ષ ખરે જ પીડાકારી હતું. મારે હજુ ૧૦ વર્ષ લોન્સ ચુકવવાની છે.’
ચુકાદા દરમિયાન અશરફીનો ચહેરો ભાવવિહીન હતો. સજા સંભળાવતા જજ રોબર્ટ બ્રાઉને અશરફી ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવાથી પ્રેરિત હોવાની દલીલ ફગાવી હતી. જજ અને ધ ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશન અને એશિયન રેશનાલિસ્ટ સોસાયટી બ્રિટન સહિત એશિયન કોમ્યુનિટીએ લેસ્ટરશાયર પોલીસની કામગીરીને બિરદાવી હતી.