લંડનઃ ઈરાકમાં અમેરિકી દળો સામે ઉપયોગમાં લેવાયેલાં બોમ્બ બનાવવા બદલ લંડનના ટેક્સી ડ્રાઈવર અનીસ આબિદ સરદારને આજીવન કેદની સજા ફરમાવાઈ છે. તે ઓછામાં ઓછાં ૩૮ વર્ષ જેલમાં ગાળશે તેમ વૂલીચ ક્રાઉન કોર્ટે આદેશ કર્યો હતો. તેના હાથે તૈયાર કરાયેલા બોમ્બથી ઈરાકના બગદાદમાં ૨૦૦૭માં યુએસ સાર્જન્ટનું મોત થયું હતું.
જોકે અનીસ સરદારે દાવો કર્યો હતો કે તેનું લક્ષ્ય અમેરિકન સૈનિકો કદી ન હતા. યુએસ આર્મીના કેમ્પ લિબર્ટી નજીક બગદાદ તરફ જતા માર્ગ હેઠળ બે બોમ્બ પરની એડહેસિવ ટેપ્સ પર અનીસની ફિંગરપ્રિન્ટ્સ મળી આવી હતી. કોર્ટની જ્યૂરીએ વેમ્બલી, નોર્થ વેસ્ટના અનીસને હત્યા અને હત્યાના કાવતરા માટે દોષિત માન્યો હતો. તે આઠ વર્ષ અગાઉ સીરિયાથી પરત આવ્યો હતો.