લંડનઃ લંડનના મેયર બોરિસ જ્હોનસન સાત વર્ષની ગેરહાજરી પછી વેસ્ટમિન્સ્ટરમાં પાછા ફર્યા છે. કન્ઝર્વેટિવ નેતા (૨૨,૫૧૧ મત)એ વેસ્ટ લંડનમાં અક્સબ્રિજ એન્ડ સાઉથ રાયસ્લિપ મતક્ષેત્રમાં ૧૦,૦૦૦ મતથી વધુ સરસાઈ સાથે લેબર પાર્ટીના ઉમેદવાર અને બીબીસી જર્નાલિસ્ટ ક્રિસ સમર્સ (૧૧,૮૧૬ મત)ને પરાજિત કર્યા હતા. Ukipના ઉમેદવાર જેક ડફિન (૬,૩૪૬) અને લિબરલ ડેમોક્રેટના ઉમેદવાર માઈકલ ફ્રાન્સિસ કોક્સ (૨,૨૧૫) અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા હતા. જહોન્સન લંડનના મેયર અને સાંસદ તરીકે બેવડી જવાબદારી નિભાવશે.
તેઓ સાત વર્ષ સુધી હેન્લી મતક્ષેત્રના સાંસદ રહ્યા પછી ૨૦૦૮માં લંડનના મેયરપદે આરૂઢ થયા હતા. તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના ભવ્ય વિજયને વધાવી લેતા કહ્યું હતું કે, ‘અન્યો માટે દિલગીર છું, પરંતુ કન્ઝર્વેટિવ્ઝ માટે આશ્ચર્યની રાત્રિ છે. બ્રિટિશ લોકોએ આગળ વધવાનું પસંદ કર્યું છે. દેશેને ૧૯૭૦ના દાયકામાં પાછા લઈ જવાના પ્રયાસને તેમણે ફગાવી દીધો છે.’ સ્પષ્ટવક્તા અને સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા બોરિસ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ડેવિડ કેમરનના વારસ બનવાની હોડમાં હતા. જોકે, કેમરનના નેતૃત્વમાં પક્ષના ભવ્ય દેખાવ પછી તેમણે રાહ જોવી પડશે.