લંડનઃ પૂર્વ સાંસદ અને લેખક લોર્ડ જેફ્રી આર્ચરે આક્ષેપ કર્યો છે કે બોલીવૂડ ફિલ્મનિર્માતાઓ તેમની વાર્તાઓના પ્લોટ્સની ચોરી કરતા રહ્યા છે. તેમણે ‘નોટ એ પેની મોર, નોટ એ પેની લેસ’ અને ‘કાન એન્ડ એબલ’નું ઉદાહરણ આપી કહ્યું હતું કે પરવાનગીની માગણી વિના જ આ નવલકથાઓનું રૂપાંતર અનુક્રમે ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’ અને ‘ખુદગર્ઝ’ તરીકે કરી લેવાયું હતું.
ભારતમાં ૭૪ વર્ષીય લોર્ડ આર્ચરના પુસ્તકો બેસ્ટ સેલર અને લોકપ્રિય છે. તેમણે ભારતીય વેબસાઈટ સાથે ઈન્ટરવ્યુમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સમસ્યાની વાત કરી હતી. તેમની પ્લોટ લાઈન પર ચાલેલી અન્ય પણ કેટલીક ફિલ્મો હોવાનું કહી લોર્ડ આર્ચરે ઉમેર્યું હતું કે તેઓ તેમના પુસ્તક ‘ઓન્લી ટાઈમ વિલ ટેલ’ના પ્રોડક્શન હકો ખરીદવા આતુર બોલીવૂડ ફિલ્મ કંપનીઓની શોધ ચલાવી રહ્યા છે.