લંડનઃ કોવિડના ભારતીય વેરિએન્ટના કેસીસ સાથે બોલ્ટન યુકેનું હોટસ્પોટ બન્યું છે. અહીં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ચાર ગણા કેસ મળી રહ્યા છે. આ કોવિડ વેરિઅન્ટને અંકુશમાં લેવા ટેસ્ટિંગ વધારી વેક્સિનેશન કાર્યક્રમને મજબૂત કરવા સહિતના અનેક પગલાં લેવાઈ રહ્યા છે અને લોકોને પણ સાવચેત રહેવા માટે વિનંતી કરાઈ છે.
બોલ્ટન ઈંગ્લેન્ડમાં ૩ મેએ પૂરા થયેલા સપ્તાહમાં બીજા ક્રમના સૌથી વધારે કોવિડ-૧૯ કેસ રેટ ધરાવે છે, જ્યાં ૧૦૦,૦૦૦ વ્યક્તિદીઠ ૮૯ કેસ મળ્યા છે. અગાઉના સપ્તાહે આ દર ૭૮ કેસીસનો હતો. સમગ્ર દેશમાં ભારતીય વેરિએન્ટના ૫૨૦ કેસની પુષ્ટિ થઈ છે જે કેસની સંખ્યા અગાઉના સપ્તાહમાં ૨૦૨ હતી. બોલ્ટનમાં ડોર-ટુ-ડોર ટેસ્ટિંગ કરવા સાથે ચોક્કસ વિસ્તારોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગને વધારાયું છે. કોરોના વાઈરસના કોઈ લક્ષણો ન ધરાવતા હોય તેવા લોકોનો પણ ટેસ્ટિંગમાં સમાવેશ કરાયો છે.
બોલ્ટનમાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે જણાવ્યું હતું કે સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં B.1.351 વેરિઅન્ટની ઓળખ થઈ હતી અને B.1.617.2 વેરિઅન્ટ ભારતમાં મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા.