લંડનઃ પ્રિન્સ ઓફ વેલ્સના માતા અને ક્વીન એલિઝાબેથ માને છે કે તેમના મોટા પુત્રની કલ્પના અનુસાર રાજાશાહીની નવી ઉદ્દામવાદી શૈલી અંગે બ્રિટન કદાચ તૈયાર નહિ હોય. પ્રિન્સ ચાર્લ્સની બાયોગ્રાફીમાં લેખિકા કેથેરીન મેયેરે આ વાત જણાવી છે.
ક્વીન તેમ જ બકિંગહામ પેલેસના કેટલાંક દરબારીઓ માને છે કે દેશ નવીનતાના આઘાત માટે તૈયાર નથી. પ્રિન્સના સૌથી મોટા ટીકાકાર ડ્યુક ઓફ એડિનબરા પણ માને છે કે પ્રિન્સ શાહી ફરજોના બદલે મગજના આવેશને વધુ પ્રાધાન્ય આપી સ્વાર્થી વર્તન દાખવવાના દોષી છે. ધ ટાઈમ્સમાં પ્રકાશિત ‘ચાર્લ્સઃ ધ હાર્ટ ઓફ કિંગ’ લેખમાળામાં જણાવ્યા અનુસાર પ્રિન્સની મહત્ત્વાકાંક્ષાનો અર્થ એ થાય છે કે તેઓ માત્ર શોભાના પૂતળા બની રહેવામાં સંતોષ નહિ માને. લેખિકા કહે છે કે વ્યાપક ઉદ્દેશો હાથ ધરવાની તેમની કાર્યરીતિએ બકિંગહામ પેલેસમાં અસંતોષ સર્જ્યો છે. ભાવિ રાજા તરીકે પોતાની ભૂમિકાની વ્યાખ્યા કરીને પ્રિન્સ ચાર્લ્સે રાજાશાહીને પુનઃ વ્યાખ્યાયિત કરવાનો સંકેત આપ્યો છે.