લંડનઃ બ્રિટનની સૌથી વયોવૃદ્ધ પોપી વેચાણકાર મહિલા ઓલિવ કૂક બ્રિસ્ટલના એવોન ગોર્જમાં કરુણ અને રહસ્યમય મૃત્યુ પામેલાં મળી આવ્યાં હતાં. તેમની આસપાસ ડઝનથી વધુ ચેરિટી સંસ્થાઓ દ્વારા દાન માગતા સંખ્યાબંધ પત્રો જોવાં મળ્યા હતાં. પોતે હવે કોઈને કશું આપી શકે તેમ ન હોવાની નિરાશા સાથે તેમણે એવોન ગોર્જમાં ઝંપલાવ્યું હોવાનું પણ કહેવાય છે. વડા પ્રધાન ડેવિડ કેમરને ૯૨ વર્ષીય વૃદ્ધા પર વિનંતીપત્રોની વણઝારમાં તપાસ માટે ફંડરેઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ સહિત વોચડોગ્સને હાકલ કરી હતી. તેમણે મિસિસ કૂકને ચેરિટીઝ માટે કાર્યરત અદ્ભૂત મહિલા ગણાવી હતી. ઓલિવ કૂક માત્ર ૧૬ વર્ષનાં હતાં ત્યારે તેમણે ૧૯૩૮માં પોપીઝ વેચવાની શરૂઆત કરી હતી. તેમણે ૭૬ વર્ષમાં રોયલ બ્રિટિશ લિજિયન માટે 30,000 જેટલાં પોપીઝ વેચ્યાં હતાં. આગામી સપ્તાહે તેમની ઈન્ક્વેસ્ટનો આરંભ થશે. પેન્શનર મિસિસ કૂકના દયાળુ હૃદયનો ગેરલાભ ઉઠાવનારી ચેરિટીઝ પર ફિટકાર વરસી રહ્યો છે. તેમને ચોતરફથી ચેરિટી સંસ્થાઓ દ્વારા દાનની અપીલો મળ્યા કરતી હતી. દાનની અસંખ્ય વિનંતીને પહોંચી વળવાની અશક્તિના લીધે મિસિસ કૂકે આત્મહત્યા કરી હોવાનું પણ કહેવાય છે. તેમના પરિવારે દયાળુ પેન્શનરનો ગેરલાભ ઉઠાવવાનો આક્ષેપ ચેરિટીઝ પર કર્યો છે.
મિસિસ કૂકનું નામ ડેટા કંપનીઓની ડોનર્સ યાદીમાં હતું, જેનું તેમણે ચેરિટીઝને વેચાણ કર્યું હોવાનું મનાય છે. એક ડેટા ફર્મે વર્ષે ૪૫ મિલિયન ચેરિટી મદદગારોનાં નામ વેચ્યાં હોવાનો દાવો પણ કર્યો હતો. મિસિસ કૂકને આત્મહત્યા પહેલાં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ, સેવ ધ ચિલ્ડ્રન અને અલ્ઝાઈમર્સ સોસાયટી, બેટરસી ડોગ્સ એન્ડ કેટ્સ હોમ, પ્રોસ્ટેટ કેન્સર યુકે બ્રેસ્ટ કેન્સર કેર સહિતની ચેરિટીઝના વિનંતીપત્રો તેમને મોકલાયાં હતાં. જોકે, એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ, સેવ ધ ચિલ્ડ્રન અને અલ્ઝાઈમર્સ સોસાયટીએ દોષિત ન હોવાનું જણાવ્યું હતું. સાંસદો અને રાજકારણીઓએ તેમના મૃત્યુની તપાસ કરવાની તરફેણ કરી છે.
શ્રીમતી કૂક ૨૧ વર્ષનાં હતાં ત્યારે રોયલ નેવીમાં કાર્યરત તેમના પતિ લેસ્લી હસી-યેઓ માર્ચ ૧૯૪૩માં સિસિલી પર આક્રમણ દરમિયાન શહીદ થયા હતા. આ પછી, શ્રીમતી કૂકે તેમના વતનના શહેર બ્રિસ્ટલમાં જ પોપી વેચવાનું શરૂ કર્યું હતું. જોકે, એક મિત્ર માઈકલ અર્લીના જણાવ્યા અનુસાર તેમણે એક સગાને પોસ્ટ મારફત મોકલેલી £૨૫૦ની રોકડ રકમ ગૂમ થઈ જતાં તાજેતરના મહિનાઓમાં લોકો પર તેમનો વિશ્વાસ ડગમગી ગયો હતો. તેમનો નાણાકીય વહીવટ ચલાવવો પણ મુશ્કેલ હતો.
તેમણે મૃત્યુના છ મહિના અગાઉ, એક સ્થાનિક અખબારને જણાવ્યાં અનુસાર એક જ મહિનામાં તેમને અનેક ચેરિટીઝ તરફથી મદદ માગતા ૨૬૭ પત્ર મળ્યાં હતાં. બ્રિસ્ટલના ફિશપોન્ડ્સના રહેવાસી મિસિસ કૂક પોતાનું મોટા ભાગનું સરકારી પેન્શન ચેરિટી ડોનેશનમાં જ ખર્ચતાં હતાં, પરંતુ દરેક નવી વિનંતી નકારી શકતા નહિ.
તેમનો મૃતદેહ ગત સપ્તાહે જ હાથ લાગ્યો હતો, પરંતુ શોકગ્રસ્ત, સંતાનો, ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ અને તેમના પણ સંતાનો દ્વારા હાલ જ તેની જાહેરાત કરાઈ છે. બ્રિસ્ટલમાં તેમનાં પ્રશંસકો અને મિત્રો કોમ્યુનિટી માટે તેમની બેદાગ સેવાને સર્વોચ્ચ સ્થાન આપવા ઈચ્છે છે. તેમના જીવન અને સમાજ પર તેમની શાંત અને ગૌરવપૂર્ણ અસરની જાહેર ઉજવણી કરવાનું પણ એક સૂચન છે. લોર્ડ મેયર એલસ્ટેર વોટ્સને આ સપ્તાહને ‘સિટી ટ્રેઝર’ તરીકે બિરદાવ્યું હતું.
સંખ્યાબંધ લોકો માટે તો તેમની હાજરી જ વિશેષ હતી. તેઓ નવેમ્બર મહિનાના પ્રથમ બે સપ્તાહમાં બ્રિસ્ટલના મધ્યયુગીન કેથેડ્રલના પોર્ચમાં પોપીઝ વેચતાં અવશ્ય નજરે પડતાં હતાં. તેઓ હંમેશાં વાર્ષિક રીમેમ્બરન્સ ડે પરેડમાં અચૂક ભાગ લેતાં હતાં. શરૂઆતમાં તેઓ સમૂહમાં ટીમ સાથે રહીને પોપીઝનું વેચાણ કરતાં હતાં, પરંતુ સમયાંતરે સાથીઓ દૂર જતાં થયાં અને તેઓ એકલાં જ રહ્યાં હતાં. તેમનાં પતિને મરણોપરાંત અપાયેલાં બહાદુરી મેડલ્સ પહેરી રાખતાં હતાં. યુવાન લોકો પર તેમની અસર ઘણી હતી. તેમને વાતો કરવી ગમતી અને યુવાનો સાથે પતિની વીરતાની વાતો વાગોળ્યાં કરતાં હતાં. બહાદુરોએ આપેલા બલિદાનોનાં કારણે આપણે સારું જીવન જીવતા હોવા અંગે તેઓ પોતાનું ઉદાહરણ આપવામાં જરા પણ સંકોચ રાખતાં નહિ. તેઓ કહેતાં કે આ બલિદાનોએ આપણને આઝાદ જીવન જીવવાની તક આપી છે.
વાસ્તવમાં પોપીઝ અને બ્રિટિશ લિજિયન સાથે મિસિસ કૂકનો નાતો તેમના પતિના ૧૯૪૩માં મોત થયા પહેલાનો છે. તેમના પિતા ફ્રેડ કેનિંગે ૧૯૩૮માં પ્રથમ વિશ્વ યુદ્ધમાં ગેલિપોલી ખાતે રોયલ આઈરિશ રેજિમેન્ટમાં સક્રિય સેવા આપી હતી. આ જ સમયથી તેમણે સસ્તા સિલ્ક પોપીઝ વેચવાની શરૂઆત કરી હતી. બીજા વિશ્વ યુદ્ધ પછી તેમણે પુનઃલગ્ન કર્યા અને સંસાર-પરિવાર વસાવ્યો હતો.