લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટ કર્યું છે કે બ્રિટનમાં જન્મ દર વધી રહ્યો છે ત્યારે આપણને વ્યાપક ઈમિગ્રેશનની કોઈ જરૂર નથી. વર્તમાન માઈગ્રન્ટ કટોકટીને ધ્યાનમાં લેતાં મધ્ય પૂર્વના વધુ નિર્વાસિતોને યુકેમાં પ્રવેશ આપવાનું દબાણ વધી રહ્યું છે તો બીજી તરફ, નેટ ઈમિગ્રેશનની સંખ્યા ૧૦૦,૦૦૦થી નીચે લાવવાનું લક્ષ્યાંક પૂર્ણ થઈ રહ્યું નથી તેવી સ્થિતિમાં કેમરન ભારે ભીંસમાં છે.
વડા પ્રધાને કહ્યું હતું કે જર્મની જેવાં દેશોમાં જન્મદર ઘણો નીચો છે તેથી તેમને માઈગ્રન્ટ્સની જરૂર રહે છે. આનાથી વિપરીત બ્રિટનમાં જન્મદર ઊંચો જઈ રહ્યો છે અને તે આપણી વસ્તીનું સ્થાન લઈ રહ્યો છે. આથી યુકેમાં માઈગ્રન્ટ્સની જરૂર રહી નથી.
બ્રિટિશ સરકારે વર્તમાન માઈગ્રન્ટ કટોકટીને નબળો પ્રતિસાદ આપ્યો છે ત્યારે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડે આગામી પાંચ વર્ષંમાં ઓછામાં ઓછાં ૫૦,૦૦૦ સીરિયન નિર્વાસિતોને બ્રિટનમાં પ્રવેશ આપવા સરકારને વિનંતી કરી છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના ૮૪ બિશપની સહી સાથેનો પત્ર કેમરનને મોકલાયો છે, જેમાં માનવ યાતનાને ધ્યાનમાં રાખી અર્થપૂર્ણ અને નોંધપાત્ર પ્રતિભાવ આપવા વિનંતી કરાઈ છે. શરણાર્થીઓને હાઉસિંગ અને બાળઉછેરની સંભાળ માટે ચર્ચોને પ્રોત્સાહન આપવાની ખાતરી પણ આ પત્રમાં બિશપોએ આપી છે. જોકે, વડા પ્રધાન તરફથી પ્રત્યુત્તર નહિ અપાતા તેઓ નાખુશ પણ છે. ઉલ્લેખનીય છે કે બ્રિટને પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ સીરિયન શરણાર્થીઓને દેશમાં પ્રવેશની ખાતરી ઉચ્ચારી છે.