બ્રિટનમાં કામ કરવા નોંધાયેલા ગરીબ યુરોપિયનોમાં ૫૭૬ ટકાનો ઊછાળો

Tuesday 10th March 2015 10:10 EDT
 
 

લંડનઃ બ્રિટનના ઈમિગ્રેશન નિયમો ગયા વર્ષે હળવાં બનાવાયાં પછી યુરોપના ગરીબ દેશોમાંથી બ્રિટનમાં કામ કરવા માટે સાત ગણા માઈગ્રન્ટ્સની નોંધણી કરાઈ છે એટલે કે તેમાં ૫૭૬ ટકાનો ઊછાળો આવ્યો છે. અગાઉના વર્ષે ૨૭,૭૦૦ની સરખામણીએ ૨૦૧૪ના વર્ષમાં ૧૮૭,૩૭૦ રોમાનિયન્સ અને બલ્ગેરિયન્સને નેશનલ ઈન્સ્યુરન્સ નંબર્સ આપવામાં આવ્યાં હતાં, જેથી તેઓ કામ કરી શકશે અને બેનિફિટ્સ પણ મેળવી શકશે.

ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સના જણાવ્યા અનુસાર વિદેશીઓને ફાળવાયેલા નવા નેશનલ ઈન્સ્યુરન્સ નંબર્સમાં ચોથો હિસ્સો હવે રોમાનિયનો અને બલ્ગેરિયનો જ ધરાવે છે. આમાંના ઘણા ઈમિગ્રન્ટ્સ મહિનાઓ કે વર્ષોથી બ્રિટનમાં ગેરકાયદે રહેતાં હશે તેમ નિષ્ણાતો આંકડાના આધારે કહે છે. બાંધકામ અથવા સફાઈ જેવી ઓછું વેતન આપતી નોકરીઓ કરતા આ લોકો પૂરો ટેક્સ નહિ ચુકવી જીવનનિર્વાહ ચલાવી લેતા હતા.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પૂર્વ યુરોપિયનો દ્વારા કામ માટે આટલી મોટી સંખ્યામાં નોંધણીથી બ્રિટિશ લોકો માટે કામ શોધવું વધુ મુશ્કેલ બનશે. કર્મચારી તરીકે કામ કરવા અથવા સરકારી બેનિફિટ્સ અને ટેક્સ ક્રેડિટ્સ ક્લેઈમ કરવા માટે નેશનલ ઈન્સ્યુરન્સ નંબર કાનૂની આવશ્યકતા છે. યુકેમાં રોમાનિયનો અને બલ્ગેરિયનો પર તમામ જાતના કામ કરવા પરના નિયંત્રણો એક જાન્યુઆરી ૨૦૧૪થી ઉઠાવી લેવાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter