લંડનઃ બ્રિટનનો હેડન ક્રોસ બાળકને જન્મ આપનારો પ્રથમ પુરુષ બનશે. ક્રોસ છેલ્લા ત્રણ વર્ષથી કાયદેસર પુરુષ તરીકે જીવન જીવી રહ્યો છે અને તેણે હોર્મોનની સારવારથી સ્ત્રીમાંથી પુરુષ બનવાની તૈયારી કરી રાખી હતી પરંતુ તેણે હવે પુરુષ બનવાનું મુલતવી રાખ્યું હતું. સોશિયલ મિડિયા પર તેને સ્પર્મનું દાન કરનાર દાતા મળી આવવાથી તે હવે બાળકને જન્મ આપશે.
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વીસે ક્રોસના ઇંડાને ફ્રીઝ કરી રાખવાનો ઇનકાર કર્યો હતો. આથી તેણે ફેસબુક દ્વારા સ્પર્મ ડોનર શોધી કાઢ્યો હતો અને હવે ગર્ભધારણ કર્યો છે. થોડાક મહિનામાં જ તે બાળકને જન્મ આપશે તેમ બ્રિટનના અખબાર ધ સનમાં જણાવ્યું હતું.
ક્રોસ હાલમાં ૧૬ સપ્તાહનો ગર્ભ ધરાવે છે અને તે બાળકને જન્મ આપનાર બ્રિટનનો પહેલો પુરુષ બનશે. તેણે એક અખબારને જણાવ્યું હતું કે તેને બાળક જોઇએ છે અને પોતે એક સારો પિતા બનશે. તેણે ફેસબુક પર સ્પર્મ ડોનરની તપાસ કરી અને તેવી વ્યક્તિ મળી આવી જેનું નામ જાહેર કર્યું નથી. તેણે દાન કરેલા સ્પર્મ દ્વારા ક્રોસે ગર્ભ ધારણ કર્યો હતો.
આ ઘટના બાદ ક્રોસે જણાવ્યું હતું કે તે મિશ્રિત લાગણી અનુભવે છે. બાળક મેળવવાનો આનંદ પણ છે અને પોતે જાતિ બદલી નહિ શકે તે નિરાશાજનક છે. અગાઉ જાતિ પરિવર્તનની હોર્મોન પ્રક્રિયામાં તકલીફ થઇ હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં જાતિ પરિવર્તનની સારવારનો ખર્ચ ૨૯૦૦૦ પાઉન્ડ થાય છે.