બ્રિટન અને ફ્રાન્સની સરહદે કેલેઈસ ખાતેથી ગેરકાયદે પ્રવેશના સૌથી વધુ પ્રયાસ થાય છે. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ લોરીમાં છુપાઈને બ્રિટનમાં ઘૂસી ન જાય તે માટે લોરી ડ્રાઈવર્સને કેલેઈસની ૧૩૦ માઈલની ત્રિજ્યામાં નહિ અટકવાની ચેતવણી અપાઈ છે. બ્રિટનમાં ગમે ત્યારે પ્રવેશની આશા સાથે ૨,૫૦૦થી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ કેલેઈસની આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેતાં હોવાનું કહેવાય છે.
બીજી તરફ, ચીફ ઈન્સ્પેક્ટર ઓફ બોર્ડર્સ એન્ડ ઈમિગ્રેશન જ્હોન વાઈને ઈમિગ્રેશન સિસ્ટમની અરાજકતા વિશે તેમના એક આખરી અહેવાલમાં જણાવ્યું છે કે વિઝાની મુદત કરતા વધુ સમયથી બ્રિટનમાં રહેતા માઈગ્રન્ટ્સની સંખ્યા વધીને ૨૬૩,૦૦૦ થઈ છે, જેમાંના ૬૦,૦૦૦ના ઠામઠેકાણાની જાણકારી હોમ ઓફિસને નથી અને તેઓ નાસતા-ફરતા છે. આ ઉપરાંત, વધુ ૧૨૩,૦૦૦ લોકો વિઝાની મુદત પૂર્ણ થવાં છતાં બ્રિટનમાં રોકાઈ રહેવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. છેક ૧૯૯૦ના દાયકાના ઉત્તરાર્ધના સમયથી હજારો કેસફાઈલ શેફિલ્ડમાં હોમ ઓફિસની કચેરીના બેઝમેન્ટ તથા અન્યત્ર મળી આવી હતી.