યુકેમાં ભારતીય મૂળના પંજાબી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ત્યાં જન્મેલા બાળકનો કેસ જીતીને તેને બ્રિટિશ નાગરિકત્વ અપાવનાર ચાર્લ્સ સાયમન્સ સોલીસીટર્સના ગુરપાલ સિંઘ ઉપ્પલ ભારતીય મૂળના ગેરકાયદેસર વસાહતીઅો માટે નવી જ આશાનું કિરણ બની ગયા છે અને આવા બાળકોના માતા-પિતા મદદ માટે શ્રી ઉપ્પલ પાસે જઇ રહ્યા છે. યુકેમાં ગેરકાયદેસર વસવાટ કર્યો હોય તેવા ભારતીય માતા પિતાને ત્યાં જન્મેલા બાળકની નોંધણી જો ભારતીય હાઇકમિશનમાં કરાવી ન હોય તો તેવા બાળકોને હવે સ્ટેટલેસ ગણીને બ્રિટીશ સીટીઝનશીપ આપવામાં આવશે તેવા રોયલ કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાને પગલે કેસ જીતનાર ગુરપાલ સિંઘ ઉપ્પલ હીરો બની ગયા છે. બ્રિટિશ કાયદા અનુસાર ભારતની બહાર ભારતીય પેરન્ટ્સને ત્યાં ૩ ડિસેમ્બર, ૨૦૦૪ પછી જન્મેલ બાળક જો ભારતીય સત્તાવાળા દ્વારા રજિસ્ટર કરાયા ન હોય તો તેમને ‘રાષ્ટ્રવિહીન’ (સ્ટેટલેસ) દરજ્જાના મનાય છે અને તેઓ બ્રિટિશ નાગરિક તરીકે રજિસ્ટર્ડ થવાનો અધિકાર ધરાવે છે.
શ્રી ગુરપાલ સિંઘ ઉપ્પલે
'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે આ કેસની ઘણી જ ગાઢ અસર ગેરકાયદેસર રીતે યુકેમાં રહેતા ભારતીય લોકો અને તેમને ત્યાં જ્નમેલા બાળકો પર થઇ છે. આ કેસમાં મળેલા વિજયને કારણે હવે ગેરકાયદેસર રીતે વસતા અનેક લોકોના બાળકોને પાંચ વર્ષ પછી સીટીઝનશીપ મળશે અને તે પછી તેમના માતા-પિતા પણ સીટીઝનશીપ માટે દાવો કરી શકશે. પહેલા લોકોને બાળક સાત વર્ષનું થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હતી પણ 'એમકે'ના આ કેસમાં મળેલા વિજય પછી આવા લોકો માટે હવે એક નવી બારી ખુલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળનું ‘શર્મા’ દંપતી તેમના સ્ટુડન્ટ વિઝાની મુદત પૂર્ણ થયા પછી પણ યુકેમાં રહ્યું હતું. તેમનો પુત્ર આજે છ વર્ષથી વધુ વયનો છે. ૧૮ મહિના લાંબી કાનૂની લડત પછી તેમની તરફેણમાં ચુકાદો અપાયો હતો. વધુ માહિતી માટે સંપર્ક: 07956 150 833.