લંડનઃ હોટેલમાં વેઈટ્રેસ માટે અરજી કરનાર છ મહિલાની શારીરિક છેડતી કરવા બદલ વોરવિક ક્રાઉન કોર્ટે ૪૦ વર્ષના ભારતીય મૂળના રેસ્ટોરાં માલિક પ્રશાંત સેનગરને લગભગ બે વર્ષની સજા ફટકારી હતી.
લિમિંગ્ટન, વિક્ટોરિયા ટેરેન્સમાં આવેલી સ્પાઈસી અફેર્સના માલિક પ્રશાંત સેનગરે દાવો કર્યો હતો કે ફરિયાદ કરનાર તમામ છ યુવતીઓ પોલીસ સમક્ષ ખોટું બોલી રહી હતી. પરંતુ એકબીજાથી તદ્દન અજાણ એવી આ તમામ ફરિયાદીઓને સાંભળ્યા પછી વોરવિક ક્રાઉન કોર્ટની જ્યુરીએ સેનગરને સાત કાઉન્ટનો દોષી માન્યો હતો. સેનગરને ૨૨ મહિનાની જેલની સજા કરાઈ હતી અને દસ વર્ષ માટે સેક્સ ઓફેન્ડર તરીકે એના નામની નોંધણી કરવા આદેશ આપ્યો હતો. જજ એન્ડ્રુ લુકહાર્ટે શુક્રવારે સેનગર પર કોઈ મધ્યસ્થીની હાજરી વિના કોઈપણ મહિલાનો ઈન્ટરવ્યુ લેવા પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. સરકારી વકીલ લી માર્કલ્યુએ જ્યુરીને કહ્યું હતું કે, પ્રશાંત સેનગર હંમેશા મહિલાઓ સાથે આવી હરકતો કરતો જ આવ્યો છે.